મધ્ય પૂર્વના દરિયાઈ માર્ગો પર અત્યારે ભયાનક યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. અમેરિકન નૌકાદળ દ્વારા ઈરાની માલવાહક જહાજને કબજે કર્યાના ગણતરીના કલાકોમાં જ ઈરાને આક્રમક વલણ અપનાવ્યું છે. રવિવારે ઈરાની દળોએ ઓમાનના અખાતમાં હાજર અનેક અમેરિકન જહાજો પર આત્મઘાતી ડ્રોન દ્વારા હુમલા શરૂ કર્યા હોવાના અહેવાલ છે. આ ઘટનાએ પાકિસ્તાનની મધ્યસ્થીથી થયેલા કામચલાઉ યુદ્ધવિરામને જોખમમાં મૂકી દીધો છે.

શું હતી સમગ્ર ઘટના?

સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે યુએસ નેવીએ ઈરાની જહાજ 'TOUSKA' ને અટકાયતમાં લીધું છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) ના જણાવ્યા અનુસાર, યુએસએસ સ્પ્રુઅન્સ (USS Spruance) નામના યુદ્ધ જહાજે ઓમાનના અખાતમાં ઈરાની જહાજને નાકાબંધી તોડવાનો પ્રયાસ કરતા અટકાવ્યું હતું. સેન્ટકોમે જાહેર કરેલા વીડિયોમાં અમેરિકી દળોએ જહાજ પર કબજો મેળવતા પહેલા ચેતવણી આપી હતી અને ત્યારબાદ ગોળીબાર કર્યો હતો. હાલમાં આ જહાજ અમેરિકી મરીન્સના સંપૂર્ણ કબજામાં છે.

ઈરાનનો વળતો પ્રહાર અને બદલાની નીતિ

ઈરાની મીડિયા એજન્સી 'તસ્નીમ' અને 'ફાર્સ' ના જણાવ્યા મુજબ, અમેરિકાની આ કાર્યવાહી "ચાંચિયાગીરી" સમાન છે. ઈરાને દાવો કર્યો છે કે અમેરિકી દળોએ તેમના જહાજની નેવિગેશન સિસ્ટમ ખોરવી નાખી અને બળજબરીથી કન્ટેનર જહાજ પર કબજો કર્યો. આના વિરોધમાં ઈરાને તરત જ પોતાના ડ્રોન તૈનાત કર્યા અને અમેરિકી જહાજોને નિશાન બનાવ્યા. જોકે, આ હુમલામાં અમેરિકાના લશ્કરી જહાજોને નુકસાન થયું છે કે વ્યાપારી જહાજોને, તેની વિગતો હજુ અસ્પષ્ટ છે.

યુદ્ધવિરામનું ઉલ્લંઘન અને વૈશ્વિક ચિંતા

ઈરાની સૈન્ય પ્રવક્તા ઈબ્રાહિમ ઝુલ્ફાઘરીએ જણાવ્યું હતું કે અમેરિકાની આ હરકત 7 એપ્રિલે થયેલા યુદ્ધવિરામ કરારનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. આ યુદ્ધવિરામ 22 એપ્રિલે પૂર્ણ થવાનો હતો, પરંતુ આ આક્રમકતાએ શાંતિની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. મળતી માહિતી ેમુજબ, જહાજ 'TOUSKA' મલેશિયાથી રવાના થઈને ઈરાનના બંદર અબ્બાસ તરફ જઈ રહ્યું હતું.

આ પણ વાંચોઃ Earthquake In Japan : જાપાનમાં 7.5 તીવ્રતાનો ભૂકંપ, એલર્ટ જાહેર


  • Follow us on: