આફ્રિકન દેશ દક્ષિણ સુદાન ફરી એકવાર હિંસાની આગમાં સપડાયું છે. રાજધાનીની બહાર આવેલા સેન્ટ્રલ ઇક્વેટોરિયા રાજ્યના જેબેલ ઇરાક વિસ્તારમાં અજાણ્યા બંદૂકધારીઓએ ભારે વિનાશ મચાવ્યો છે. સોમવારે પોલીસ પ્રવક્તાએ પુષ્ટિ કરી છે કે સોનાની ખાણ પર થયેલા એક ભયાનક હુમલામાં 70 થી વધુ લોકોના મોત થયા છે અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.


સોનાની ખાણમાં કર્યો હુમલો

આ હુમલો જેબેલ ઇરાક સોનાની ખાણના વિસ્તારમાં થયો હતો, જ્યાં લાંબા સમયથી ગેરકાયદેસર ખાણકામ કરનારાઓ અને સત્તાવાર ખાણકામ કંપનીઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા હૃદયદ્રાવક વીડિયોમાં ખુલ્લા મેદાનમાં ડઝનબંધ મૃતદેહો પડેલા જોઈ શકાય છે. સ્થાનિક પત્રકારોના જણાવ્યા અનુસાર, હુમલા સમયે જીવ બચાવવા માટે ઘણા લોકો નજીકની ઝાડીઓમાં ભાગી ગયા હતા, જેમાંથી અનેક હજુ પણ લાપતા હોવાનું મનાય છે.

હુમલાખોળોની હજુ સુધી કોઇ ઓળખ નથી થઇ

પોલીસ પ્રવક્તા ક્વાસિવોક ડોમિનિક એમોન્ડોકે આ હુમલાની પુષ્ટિ કરી છે, પરંતુ હુમલાખોરોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. બીજી તરફ, વિપક્ષી જૂથ SPLM/A-IO એ આ હત્યાકાંડની સખત નિંદા કરી છે અને તેનો સીધો દોષ સરકારી દળો (SSPDF) પર ઢોળ્યો છે. વિપક્ષનો દાવો છે કે જેબેલ ઇરાક વિસ્તાર સંપૂર્ણપણે સરકારી દળોના નિયંત્રણ હેઠળ છે, તેથી આટલી મોટી સંખ્યામાં થયેલી હત્યાઓ માટે SSPDF જ જવાબદાર છે.

નાગરિક અધિકાર જૂથોએ ઘટનાને વખોડી

નાઇલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ સ્ટડી ઓફ હ્યુમન રાઇટ્સ એન્ડ ટ્રાન્ઝિશનલ જસ્ટિસ જેવા નાગરિક અધિકાર જૂથોએ આ ઘટનાને માનવ અધિકારોનું ગંભીર ઉલ્લંઘન ગણાવ્યું છે. માનવ અધિકાર કાર્યકર્તા એડમંડ યાકાનીએ સરકારને અપીલ કરી છે કે દેશમાં વધી રહેલા ગેરકાયદેસર ખાણકામ અને કુદરતી સંસાધનો પર થતી લોહિયાળ ગેંગવોરને તાત્કાલિક અસરથી રોકવામાં આવે. તેમણે કહ્યું કે સુરક્ષા વ્યવસ્થા નબળી હોવાને કારણે સામાન્ય નાગરિકોએ જીવ ગુમાવવો પડી રહ્યો છે.

આ પણ વાંચોઃ હવે America માં વર્ક વિઝા મેળવવા બનશે મુશ્કેલ? H-1B વિઝા પ્રક્રિયામાં મોટો ફેરફાર, 1 એપ્રિલથી લાગુ થશે નવા નિયમો

  • Follow us on: