પાકિસ્તાનમાં લોઅર દીરના મેદાની વિસ્તાર સોરી પાઓમાં એક ઘરની છત તૂટી પડતાં પાંચ લોકોના મોત થયા હતા. મહિલાઓ અને બાળકો સહિત ચાર અન્ય ઘાયલ થયા છે. બચાવ કાર્યકરોએ કાટમાળમાંથી સાત લોકોને બહાર કાઢ્યા છે. જેમાંથી પાંચને મૃત જાહેર કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સતત વરસાદને કારણે પંજકોરા નદીનું પાણીનું સ્તર વધ્યુ છે.


વરસાદી કહેર યથાવત્

પાકિસ્તાનના ઘણા ભાગોમાં ભારે વરસાદને કારણે ઓછામાં ઓછા 24 લોકોના મોત થયા છે અને ઘણા ગુમ થયા છે. બચાવ અધિકારીઓએ જણાવ્યું હતું કે મૂશળધાર વરસાદને કારણે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના લોઅર દીર, બાજૌર અને એબોટાબાદ સહિત અનેક જિલ્લાઓમાં અચાનક પૂર અને ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 16 લોકો માર્યા ગયા છે અને આઠ લોકો ઘાયલ થયા છે. અત્યાર સુધીમાં નવ મૃતદેહો અને ચાર ઘાયલ વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે ઓછામાં ઓછા 17 અન્ય લોકો ગુમ થયા છે. જબ્રારી ગામમાં વાદળ ફાટવાથી ભારે પૂર આવ્યું હતું. જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા. બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, પાંચ મૃતદેહો બહાર કાઢ્યા હતા અને પ્રાથમિક સારવાર બાદ ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બાજૌર જિલ્લા ઇમરજન્સી ઓફિસર અમજદ ખાન બચાવ કામગીરી પર નજર રાખી રહ્યા છે.

નદીમાં નવા નીરનું આગમન

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના ગિલગિટ ક્ષેત્રમાં પૂરથી નુકસાન પામેલી નદીનું સમારકામ કરતી વખતે ભૂસ્ખલન થતાં નવ સ્વયંસેવકો માર્યા ગયા હતા અને ત્રણ અન્ય ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે રવિવારે રાત્રે દાન્યોર નાલા ખાતે આ ઘટના બની હતી જ્યારે કામદારો પર મોટો કાદવ પડ્યો હતો અને કાટમાળ નીચે દટાયા બાદ ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા. સ્થાનિક હોસ્પિટલોમાં કટોકટી જાહેર કરવામાં આવી હતી અને સ્થાનિક રહેવાસીઓની મદદથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. 

  • Follow us on: