ગ્રીસની રાજધાની એથેન્સ નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે. જંગલમાં લાગેલી વિકરાળ આગને ઓલવવાનો પ્રયાસ કરી રહેલા બે ચાર્ટર્ડ હેલિકોપ્ટર હવામાં જ એકબીજા સાથે ભીષણ રીતે અથડાઈ ગયા હતા. આ અકસ્માતના લાઈવ ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં ટક્કર બાદ એક હેલિકોપ્ટર આગના ગોળામાં ફેરવાઈને સીધું જમીન પર તૂટી પડતું નજરે ચડે છે.
સામે સામે ટકરાયા બે હેલિકોપ્ટર
મળતી માહિતી અનુસાર, પશ્ચિમ એથેન્સમાં લાગેલી ભયાનક આગને શહેરના વસ્તીવાળા વિસ્તારો તરફ વધતી અટકાવવા માટે મોટાપાયે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી હતી. સેંકડો ફાયર ફાઇટરોની સાથે આગ પર કાબુ મેળવવા માટે હેલિકોપ્ટર દ્વારા આકાશમાંથી પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન એક હેલિકોપ્ટર આગ ઓલવવા માટે પાણી નાખી રહ્યું હતું, ત્યારે અચાનક બીજું હેલિકોપ્ટર તેની નીચેની પૂંછડીના ભાગ સાથે ભરાઈને અથડાઈ ગયું હતું.
https://twitter.com/RapidReport2025/status/2083912723302068610
દુર્ઘટનામાં થયા બે લોકોના મોત
આ ગંભીર દુર્ઘટનામાં બે લોકોના મોત થયાની પુષ્ટિ કરવામાં આવી છે. મૃતકોમાં એક ડેનિશ પાઇલટ અને એક ગ્રીક ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે. ટક્કર બાદ બંને પાઇલટ્સને ગંભીર અને બેભાન હાલતમાં તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ દુર્ઘટનામાં બીજા હેલિકોપ્ટરે સૂઝબૂઝ દાખવીને સુરક્ષિત રીતે ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું.
ગ્રીક ક્રૂ મેમ્બરનો ચમત્કારિક બચાવ
બીજા હેલિકોપ્ટરમાં સવાર બ્રિટિશ પાઇલટ અને અન્ય એક ગ્રીક ક્રૂ મેમ્બરનો ચમત્કારિક બચાવ થયો છે, જોકે તેમને સામાન્ય ઈજાઓ પહોંચી છે. હાલ તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગ્રીક વડા પ્રધાને આ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં બેલ હેલિકોપ્ટરની તમામ ફ્લાઇટ્સ આગામી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ Thailand જતા પહેલા ચેતજો, ભારતીયો આ રીતે બની રહ્યા છે અપહરણનો શિકાર!