થાઈલેન્ડ ભારતીય પ્રવાસીઓ માટે હમેશાથી એક ખૂબ જ લોકપ્રિય પ્રવાસન સ્થળ રહ્યું છે, પરંતુ તાજેતરના સમયમાં ત્યાંથી ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ખાસ કરીને ભારતીય પ્રવાસીઓને નિશાન બનાવીને અપહરણ, મારપીટ અને ખંડણી વસૂલવાના ગંભીર મામલાઓ વધી રહ્યા છે, જેના કારણે વિદેશી પ્રવાસીઓની સુરક્ષા સામે મોટો સવાલ ઊભો થયો છે.

ભારતીય જ ભારતીયના દુશ્મન

તાજેતરમાં 21 જુલાઈના રોજ બનેલી એક ઘટનાએ ભારે ચિંતા જગાવી છે, જેમાં ત્રણ ભારતીયો બેંગકોક ફરવા પહોંચ્યા હતા. તેમને સસ્તા ટૂર પેકેજનું પ્રલોભન આપીને પતાયાના એક મકાનમાં બંધક બનાવવામાં આવ્યા હતા. આ ત્રણેય યુવકોને અઠવાડિયા સુધી શારીરિક ત્રાસ આપવામાં આવ્યો અને તેમના પરિવારો પાસેથી 7 મિલિયન રૂપિયા જેટલી માતબર રકમની ખંડણી માંગવામાં આવી હતી. જો કે, 27 જુલાઈએ થાઈ પોલીસે દરોડો પાડીને તેમનો સફળ બચાવ કર્યો હતો, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ અપહરણકાંડમાં સંડોવાયેલા આરોપીઓ પણ ભારતીય જ હતા.

ઊંચા પગારની લાલચ આપી ફસાવતા એજન્ટો

આ પ્રકારની ઘટનાઓ માત્ર ટૂર પેકેજ પૂરતી સીમિત નથી, પરંતુ વિદેશમાં સારી નોકરી અને c પગારની લાલચ આપીને લોકોને ફસાવવાના કાવતરાં પણ મોટા પાયે ચાલી રહ્યા છે. અનેક યુવકોને નોકરીના બહાને મ્યાનમારના સાયબર ફ્રોડ સેન્ટરોમાં ધકેલી દેવામાં આવે છે, જ્યારે કેટલીક મહિલાઓને ખોટા વાયદા આપીને વેશ્યાવૃત્તિના દલદલમાં ફસાવવામાં આવી હોવાના પણ ગંભીર આરોપો લાગ્યા છે.

પ્રવાસીઓએ અત્યંત સતર્ક રહેવાની જરૂર 

આવા જોખમોથી બચવા માટે પ્રવાસીઓએ અત્યંત સતર્ક રહેવાની જરૂર છે. કોઈપણ એજન્સી દ્વારા આપવામાં આવતી અતિશય સસ્તી ટૂર કે વિદેશી નોકરીની ઓફરો પર આંખ બંધ કરીને ભરોસો ન કરવો જોઈએ. ટ્રાવેલ એજન્સી કે કંપનીની પૃષ્ઠભૂમિની સંપૂર્ણ તપાસ કર્યા વગર આગળ વધવું જોખમી સાબિત થઈ શકે છે. પ્રવાસ દરમિયાન તમારા પરિવારના સંપર્કમાં રહો અને કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિ ઊભી થાય તો તાત્કાલિક સ્થાનિક પોલીસ અથવા ભારતીય દૂતાવાસનો સંપર્ક કરો.

આ પણ વાંચોઃ Bihar: સહરસામાં પેસેન્જર ટ્રેનમાં ભીષણ આગ,સદનસીબે કોઈ જાનહાનિ નહીં