બ્રિટનના કેમ્બ્રિજશાયરમાં પહેલું હિંદુ મંદિર બનાવવાની યોજનાને મોટો ઝટકો લાગ્યો છે. અહીંની સાઉથ કેમ્બ્રિજશાયર ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલે મંદિર માટે માંગવામાં આવેલી જમીન હિંદુ સંગઠનને આપવાના બદલે ચર્ચના નેતૃત્વ હેઠળના એક પ્રોજેક્ટને આપવાનો નિર્ણય કર્યો છે. આ જમીન 999 વર્ષની લાંબી લીઝ પર આપવામાં આવશે, જેમાં ચર્ચની સાથે સ્થાનિક મુસ્લિમ સમુદાય માટે નમાજ પઢવાની જગ્યા અને એક શિક્ષણ કેન્દ્ર પણ બનાવવામાં આવશે. કાઉન્સિલના આ નિર્ણયથી સ્થાનિક હિંદુ સમુદાયમાં ભારે નારાજગી અને નિરાશા વ્યાપી ગઈ છે.
મૂલ્યાંકનમાં હિંદુ સંગઠનને ઓછા માર્ક્સ મળ્યા
નોર્થસ્ટો શહેરના સ્થાનિક હિંદુઓએ 'હિંદુ સમાજ નોર્થસ્ટો' (HSN) નામની એક ચેરિટી બનાવીને આ જમીન પર મંદિરની સાથે એક વેલનેસ સેન્ટર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જો કે, કાઉન્સિલની તપાસ સમિતિએ HSN ના પ્રસ્તાવને 65% માર્ક્સ આપ્યા, જ્યારે 'નોર્થસ્ટો ચર્ચ નેટવર્ક' (NCN) ના પ્રસ્તાવને 81% માર્ક્સ મળ્યા હતા. આ માર્કિંગના આધારે જમીન ચર્ચ નેટવર્કને સોંપી દેવામાં આવી છે. NCN ની આ યોજનામાં સ્થાનિક મુસ્લિમ સમુદાય માટે કાયમી ઇસ્લામિક પ્રાર્થના ખંડનો સમાવેશ થાય છે, કારણ કે ત્યાં 200 થી વધુ મુસ્લિમો રહે છે અને તેમને નમાજ માટે કાયમી જગ્યાની જરૂર છે.
