અમેરિકા હાલમાં ભીષણ અને જીવલેણ ગરમીની લપેટમાં છે. દેશના ઈસ્ટ કોસ્ટ (પૂર્વીય કિનારા) ના અનેક રાજ્યોમાં પડી રહેલી ખતરનાક હીટવેવના કારણે અમેરિકાના 250મા સ્વતંત્રતા દિવસ (4 જુલાઈ) ની ઉજવણીના ઉત્સાહ પર પાણી ફરી વળ્યું છે.તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતાં સુરક્ષાના કારણોસર ઘણી પરેડ અને જાહેર કાર્યક્રમો રદ અથવા સ્થગિત કરવાની ફરજ પડી છે. પ્રશાસને લોકોને ઘરમાં જ રહેવા અને પૂરતું પાણી પીવાની કડક અપીલ કરી છે.
પરેડ રદ અને કાર્યક્રમોના સમયમાં ફેરફાર
અમેરિકાના હવામાન વિભાગ (NWS) અનુસાર, રાજધાની વોશિંગ્ટન ડીસીમાં અસહ્ય ગરમીને કારણે નેશનલ મોલ ખાતે યોજાનારો 'ગ્રેટ અમેરિકન સ્ટેટ ફેર' શુક્રવારે બપોરે થોડા કલાકો માટે બંધ રાખવો પડ્યો હતો. આ ઉપરાંત, વર્જિનિયાના લીસબર્ગ અને મેરીલેન્ડના લોરેલ તેમજ ટકોમા પાર્કમાં યોજાનારી પરંપરાગત સ્વતંત્રતા દિવસની પરેડ સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. પ્રખ્યાત 'કેપિટલ ફોર્થ કોન્સર્ટ' તેના નક્કી શેડ્યૂલ મુજબ જ થશે, પરંતુ ગરમીને જોતાં દર્શકો માટે ગેટ ખોલવાનો સમય બદલીને સાંજે 7 વાગ્યાનો કરવામાં આવ્યો છે. ગુરુવારે સાંજે યોજાનારી આ કોન્સર્ટની રિહર્સલ પણ સામાન્ય જનતા માટે રદ કરાઈ હતી.
ટ્રેનો રદ થઈ અને પ્રમુખ ટ્રમ્પનું સંબોધન
ગરમીની અસર માત્ર કાર્યક્રમો પર જ નહીં, પરંતુ વાહનવ્યવહાર પર પણ પડી છે. અતિશય ગરમીને કારણે રેલવે ટ્રેકને નુકસાન થવાની આશંકાથી એમટ્રેક (Amtrak) દ્વારા ઉત્તર-પૂર્વ અમેરિકાની કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. બીજી તરફ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાઉથ ડકોટાના માઉન્ટ રશમોરમાં આતશબાજીના કાર્યક્રમમાં સામેલ થશે અને શનિવારે સાંજે વોશિંગ્ટનના નેશનલ મોલ ખાતે યોજાનારા 'ફ્રીડમ 250' અંતર્ગત ખાસ કાર્યક્રમમાં દેશને સંબોધિત કરશે.
AC ના તાપમાન પર અમેરિકામાં મોટું રાજકારણ
ન્યૂયોર્ક સિટીમાં હીટ ઇન્ડેક્સ 41 ડિગ્રી વટાવી જતાં મેયર જોહરાન મમદાનીએ નાગરિકોને વીજળી બચાવવા અને એસી (AC) નું તાપમાન 25.5 ડિગ્રી સેલ્સિયસ પર રાખવા વિનંતી કરી હતી. મેયરની આ સલાહ પર અમેરિકામાં મોટું રાજકારણ શરૂ થઈ ગયું છે. રિપબ્લિકન નેતાઓએ આની આકરી ટીકા કરી છે. ફ્લોરિડાના સેનેટર રિક સ્કોટે તેને 'કમ્યુનિઝમ' ગણાવ્યું, જ્યારે સેનેટર લિન્ડસે ગ્રેહામે કટાક્ષ કરતા કહ્યું કે સોશિયાલિસ્ટ ડેમોક્રેટ્સ હવે લોકોના ઘરના એસી સુધી પહોંચી ગયા છે.
આ પણ વાંચો: El Ninoની ગંભીર અસર, હીટવેવ, દુષ્કાળ અને ભારે વરસાદનો ખતરો વધ્યો, WMO એ આપી ગંભીર ચેતવણી