ઈરાન દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરીથી બંધ કરવામાં આવ્યા હોવાના માહોલ વચ્ચે ભારતીય ધ્વજવાળુ એક તેલ ટેન્કર સફળતાપૂર્વક આ મહત્વપૂર્ણ જળમાર્ગ પાર કરી ગયુ, જ્યારે ઓછામાં ઓછા ચાર જહાજોને પાછા ફરવું પડ્યું. જહાજોની ટ્રેકિંગ માહિતી અનુસાર ‘દેશ ગરીમા’ નામનું ટેન્કર શનિવાર (18 એપ્રિલ, 2026)ના રોજ હોર્મુઝ પાર કર્યું.
માલવાહક જહાજ ‘જગ અર્ણવ’એ ઈરાન તરફથી થયેલી ફાયરિંગ બાદ પોતાનો માર્ગ બદલી દીધો
શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (SCI)નું આ ટેન્કર માર્ચની શરૂઆતથી આ માર્ગ પાર કરનાર ભારતીય ધ્વજવાળું 10મું જહાજ છે. ‘મેરિનટ્રાફિક’ મુજબ, શનિવાર સાંજ સુધી આ ટેન્કર ઓમાનની ખાડી તરફ આગળ વધી રહ્યું હતું. માહિતી મુજબ ‘સનમાર હેરાલ્ડ’, ‘દેશ વૈભવ’ અને ‘દેશ વિભોર’ જેવા તેલ ટેન્કરો તેમજ માલવાહક જહાજ ‘જગ અર્ણવ’એ ઈરાન તરફથી થયેલી ફાયરિંગ બાદ પોતાનો માર્ગ બદલી દીધો.
ફારસની ખાડીમાં હવે ભારતીય ધ્વજવાળા જહાજોની સંખ્યા 14 થઈ ગઈ
ફારસની ખાડીમાં હવે ભારતીય ધ્વજવાળા જહાજોની સંખ્યા 14 થઈ ગઈ છે. સરકારી માલિકીની SCI ‘દેશ વૈભવ’ અને ‘દેશ વિભોર’નું સંચાલન કરે છે, જ્યારે ‘સનમાર હેરાલ્ડ’નું સંચાલન સનમાર શિપિંગ અને ‘જગ અર્ણવ’નું સંચાલન ગ્રેટ ઈસ્ટર્ન શિપિંગ કંપની કરે છે.
ઈરાકી કાચા તેલથી ભરેલું એક સુપરટેન્કર સહિત ભારતીય ધ્વજવાળા બે જહાજોને ગોળીબાર પછી પાછા ફરવું પડ્યું.
યુનાઇટેડ કિંગડમ મેરિટાઇમ ટ્રેડ ઓપરેશન્સ અનુસાર, એક ટેન્કરે જાણ કરી કે ઓમાનના ઉત્તર-પૂર્વમાં આશરે 20 નોટિકલ માઇલ દૂર ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સની બે નૌકાઓ તરફથી ગોળીબાર કરવામાં આવ્યો. માનવામાં આવે છે કે આ કારણે ભારતીય જહાજોએ માર્ગ બદલી દીધો. ‘ટેન્કરટ્રેકર્સડોટકોમ’ મુજબ, ઈરાકી કાચા તેલથી ભરેલું એક સુપરટેન્કર સહિત ભારતીય ધ્વજવાળા બે જહાજોને ગોળીબાર પછી પાછા ફરવું પડ્યું.
આ ઘટનાને લઈ ભારતના વિદેશ મંત્રાલયે ભારતમાં ઈરાનના રાજદૂત પાસેથી જવાબ માગ્યો છે. આ દરમિયાન વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ બે ભારતીય જહાજો પર IRGCની ગનબોટ્સ દ્વારા થયેલી ફાયરિંગ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી. જોકે ટેન્કર અને તેનો ક્રૂ સલામત હોવાનું જણાવાયું છે.
આ પણ વાંચો: US Iran Israel War: હોર્મુઝ પર વધ્યુ સંકટ, આજથી ઇરાની જહાજોની નાકાબંધી, US સેન્ટ્રલ કમાન્ડનું એલાન