હોર્મુઝ સ્ટ્રેટ (હોર્મુઝની ખાડી) પાસે શુક્રવારે એક માલવાહક લાકડાના જહાજમાં ભીષણ આગ લાગ્યા બાદ તે પલટી જવાની ઘટના બની છે. આ દુર્ઘટનામાં એક ભારતીય નાવિકનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 4 ભારતીયો ઘાયલ થયા છે. જહાજ પર કુલ 18 ભારતીયો સવાર હતા, જેમાંથી 17 નાવિકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.

બચાવ કામગીરી અને સ્થિતિ

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, દુર્ઘટના સમયે નજીકથી પસાર થઈ રહેલા એક અન્ય જહાજે તાત્કાલિક મદદ પહોંચાડી હતી. બચાવવામાં આવેલા 17 ભારતીયોમાંથી ઘાયલોને સારવાર માટે દુબઈની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દુબઈમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસના અધિકારીઓ સતત નાવિકોના સંપર્કમાં છે અને તેમને તમામ જરૂરી મદદ પૂરી પાડી રહ્યા છે.

ચીની ટેન્કર પર રહસ્યમય હુમલો

આ દરમિયાન, હોર્મુઝ સ્ટ્રેટ પાસે જ એક ચીની તેલ ટેન્કર 'JV ઇનોવેશનલ' પર પણ હુમલાની ખબર સામે આવી છે. માર્શલ આઇલેન્ડ્સના ધ્વજ હેઠળ ચાલતા આ 173 મીટર લાંબા ટેન્કરના ડેક પર અચાનક આગ લાગી હતી. ચીની મીડિયા મુજબ, જહાજ પર 22 ક્રૂ મેમ્બર્સ હતા (જેમાં ચીન, મ્યાનમાર અને ઇન્ડોનેશિયાના નાગરિકો સામેલ હતા). સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ હુમલાખોર વિશે હજુ સુધી કોઈ જાણકારી મળી નથી.

આ પણ વાંચો:JDVance:અમેરિકા-ઈરાન યુદ્ધનો આવશે અંત? ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને કતારના PM વચ્ચે ગુપ્ત મંત્રણા