અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને ખતમ કરવા માટે રાજદ્વારી પ્રયાસો તેજ બન્યા છે. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન અલ-થાની સાથે વોશિંગ્ટનમાં એક અત્યંત મહત્વની બેઠક કરી છે. આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે અમેરિકા તેના 'પીસ પ્લાન' પર તેહરાન (ઈરાન) ના જવાબની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે.

શાંતિ સમજૂતી પ્રસ્તાવ તૈયાર

રિપોર્ટ અનુસાર, અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ રોકવા માટે એક પાનાનો શાંતિ સમજૂતી પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે. આ સમજૂતીમાં માત્ર તાત્કાલિક યુદ્ધ વિરામ જ નહીં, પરંતુ ઈરાનના પરમાણુ કાર્યક્રમ જેવા જટિલ મુદ્દાઓ પર ભવિષ્યમાં સ્થાયી વાતચીત શરૂ કરવાની યોજના પણ સામેલ છે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ આશા વ્યક્ત કરી છે કે ઈરાન ટૂંક સમયમાં સકારાત્મક જવાબ આપશે.

કતારની 'બેક-ચેનલ' ભૂમિકા

જોકે પાકિસ્તાન સત્તાવાર રીતે મધ્યસ્થી કરી રહ્યું છે, પરંતુ કતાર પડદા પાછળ 'બેક-ચેનલ' મંત્રણામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કતારના વડાપ્રધાન ખાસ આ બેઠક માટે વોશિંગ્ટન આવ્યા હતા અને મુલાકાત બાદ તરત જ રવાના થઈ ગયા હતા. કતારના અધિકારીઓ સીધા જ ઈરાનની શક્તિશાળી સેના IRGC ના ઉચ્ચ અધિકારીઓના સંપર્કમાં છે.

પાકિસ્તાન અને કતારની જુગલબંધી

વોશિંગ્ટન પહોંચતા પહેલા કતારના વડાપ્રધાને પાકિસ્તાનના વડાપ્રધાન સાથે પણ ચર્ચા કરી હતી. અગાઉ જૂન 2025 માં યુદ્ધ શરૂ થયા પહેલા જીનીવામાં થયેલી મંત્રણામાં પણ કતારે મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે ફરી એકવાર ઓમાનની સાથે કતાર અને પાકિસ્તાન મળીને મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવા મથામણ કરી રહ્યા છે.

 આ પણ વાંચો:US Iran Tension:CIA ના રિપોર્ટમાં તેહરાનની તાકાતનો મોટો ખુલાસો.હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધના ભણકારા