હોર્મુઝ સ્ટ્રેટમાં વધતા વૈશ્વિક તણાવ વચ્ચે અમેરિકી ગુપ્તચર એજન્સી CIA નો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જો અમેરિકા ઈરાનના તમામ બંદરોની સંપૂર્ણ નાકેબંધી કરી દે, તો પણ ઈરાન આર્થિક રીતે ઓછામાં ઓછા ચાર મહિના સુધી અડીખમ ટકી શકે છે.

નાકેબંધી અને CIA નો દાવો

રિપોર્ટ અનુસાર, ઈરાનને અમેરિકી નાકેબંધીથી તાત્કાલિક કોઈ મોટું આર્થિક નુકસાન થવાની સંભાવના ઓછી છે. અમેરિકી અધિકારીઓનું માનવું છે કે ઈરાન પાસે એટલી ક્ષમતા છે કે તે ગંભીર આર્થિક દબાણ છતાં 120 દિવસ સુધી પોતાની વ્યવસ્થા જાળવી રાખશે. જોકે, કેટલાક સીનિયર અધિકારીઓ આ રિપોર્ટ સાથે અસંમત છે અને તેમનું કહેવું છે કે નાકેબંધીથી ઈરાનનું વેપાર અને કમાણી સતત ઘટી રહી છે.

સમુદ્રમાં અમેરિકા અને ઈરાન વચ્ચે અથડામણ

તાજેતરમાં જ હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકી જહાજો અને ઈરાની સેના વચ્ચે નાની ઝડપ થઈ હોવાના અહેવાલ છે. ઈરાનની સમાચાર એજન્સીઓના જણાવ્યા મુજબ, હાલ સ્થિતિ શાંત છે પરંતુ સંઘર્ષની શક્યતા નકારી શકાય તેમ નથી. બીજી તરફ, અમેરિકી સેનાએ દાવો કર્યો છે કે તેણે ઈરાનના બે જહાજોને નિશાન બનાવ્યા હતા જેઓ પ્રતિબંધિત બંદર તરફ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અમેરિકી ફાઈટર જેટ્સે જહાજની ચીમનીઓ પર હુમલો કરી તેમને પાછા ફરવા મજબૂર કર્યા હતા.

ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો

આ તણાવની સીધી અસર આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ પર જોવા મળી છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલ ની કિંમત વધીને 101 ડોલર પ્રતિ બેરલ ને પાર કરી ગઈ છે. જોકે, આખા અઠવાડિયા દરમિયાન ભાવોમાં 6% નો ઘટાડો પણ જોવા મળ્યો હતો. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ સ્થિતિ પર નજર રાખતા જણાવ્યું છે કે આ અથડામણો છતાં હજુ પણ સીઝફાયર (યુદ્ધ વિરામ) અમલમાં છે.

આ પણ વાંચો:Iran US Deal:ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેનેઈના ઈશારે બદલાશે રમત,ઇસ્લામાબાદમાં ગુપ્ત મંત્રણાની તૈયારી