યમનમાં હુતી વિદ્રોહીઓ અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકાર વચ્ચેનો સૈન્ય સંઘર્ષ હવે અત્યંત ભયાનક મોડ પર પહોંચી ગયો છે. ગુરુવારે હુથી દળોએ યમનના અદન સ્થિત 'અલ-માશિક' રાષ્ટ્રપતિ મહેલને નિશાન બનાવીને ભીષણ હુમલો કર્યો હતો. આ મિસાઇલ હુમલામાં બે સુરક્ષા જવાનો શહીદ થયા હતા અને છ અન્ય ગંભીર રીતે ઘવાયા છે. જોકે, આ હુમલા સમયે અદનમાં હાજર યમન સરકારના તમામ કેબિનેટ મંત્રીઓ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે. યમનના યુવા મંત્રી નાયફ સાલેહ અલ-બકરીએ સ્પષ્ટ કર્યું છે કે આવા કાયરતાપૂર્ણ હુમલાઓથી ડરીને સરકારી પ્રતિનિધિઓ અદન શહેર છોડીને ક્યાંય જશે નહીં.

હુતીઓનો યમન પર સૌથી મોટો હુમલો

યમનની આંતરિક હિંસાની સાથે સાઉદી અરેબિયા સાથેનો સંઘર્ષ પણ ચિંતાજનક રીતે વધ્યો છે. હુતી સૈન્ય પ્રવક્તા યાહ્યા સરીએ દાવો કર્યો હતો કે તેમના સંગઠને બેલેસ્ટિક મિસાઇલો, ક્રુઝ મિસાઇલો અને આત્મઘાતી ડ્રોન દ્વારા સાઉદી અરેબિયાની મહત્વપૂર્ણ ઊર્જા સુવિધાઓ અને પાટનગર રિયાધના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શ્રેણીબદ્ધ હુમલા કર્યા છે. તેમણે દાવો કર્યો હતો કે આ હુમલાથી લક્ષ્યાંકિત સ્થળો પર ભારે તારાજી સર્જાઈ છે. હુથીઓએ આંતરરાષ્ટ્રીય શિપિંગ કંપનીઓ અને સામાન્ય નાગરિકોને સાઉદીના એરપોર્ટ અને તેલ સ્થાપનોથી દૂર રહેવાની કડક ચેતવણી પણ આપી છે.

યમનના આ સેન્ટ્રલ સ્ટેશનને ખાલી કરવાનો આદેશ

બીજી તરફ, સાઉદીની આગેવાની હેઠળના ગઠબંધન દળોએ જવાબી કાર્યવાહી શરૂ કરી છે. ગઠબંધને યમનની રાજધાની સનામાં હુતી-નિયંત્રિત વિસ્તારમાં આવેલા 'યમન ઓઇલ કંપની'ના અલ-સબાહ સેન્ટ્રલ સ્ટેશનને ખાલી કરવાનો આદેશ આપ્યો છે. મેજર જનરલ તુર્કી અલ-મલિકીએ સંભવિત સૈન્ય કાર્યવાહી પહેલા સામાન્ય નાગરિકોને તે વિસ્તાર છોડી દેવાની અપીલ કરી છે. સાઉદી દળોએ દક્ષિણ-પશ્ચિમ સાઉદી અરેબિયા તરફ છોડાયેલી બે બેલેસ્ટિક મિસાઇલો અને રિયાધ તરફ આવી રહેલા ત્રણ ડ્રોનને હવામાં જ તોડી પાડવાનો દાવો પણ કર્યો છે.

દરિયાઈ વેપારી માર્ગો પર મોટું જોખમ

આ તાજેતરના ઘર્ષણથી લાલ સમુદ્ર (Red Sea) અને બાબ અલ-મંડેબ સ્ટ્રેટ જેવા અત્યંત મહત્વપૂર્ણ દરિયાઈ વેપારી માર્ગો પર મોટું જોખમ ઊભું થયું છે. વર્ષ 2014 માં હુથીઓએ સના પર કબજો કર્યો ત્યારથી શરૂ થયેલું આ યુદ્ધ 2015 માં સાઉદી અરેબિયાની સૈન્ય ઇન્ટરવેન્શન બાદ વધુ વિકરાળ બન્યું હતું. હાલના તણાવથી વૈશ્વિક ઊર્જા પુરવઠો અને પ્રાદેશિક સુરક્ષા ફરી એકવાર ગંભીર સંકટમાં મુકાઈ ગયા છે.

આ પણ વાંચોઃ America: પ્રાઇમરી સ્કુલમાં ફાયરિંગ, 3 બાળકો સહિત 4ના મોત, પોલીસ તપાસ શરૂ