અમેરિકામાં ગન વાયોલન્સ (બંદૂક હિંસા)ની ઘટનાઓ રોકાવાનું નામ નથી લઈ રહી. ફરી એકવાર એક પ્રાથમિક શાળાને નિશાન બનાવીને કરવામાં આવેલા સામૂહિક ગોળીબારથી આખો દેશ સ્તબ્ધ થઈ ગયો છે. મધ્ય ઓરેગોનમાં પોર્ટલેન્ડથી લગભગ 280 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં આવેલા 'બેન્ડ' શહેરની સિલ્વર રેલ પ્રાઇમરી સ્કૂલમાં એક 16 વર્ષના યુવકે ઘૂસીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ દર્દનાક હુમલામાં ત્રણ નિર્દોષ બાળકો અને એક પુખ્ત વયના પુરુષ સહિત કુલ ચાર લોકોના મોત થયા છે, જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા છે.
શાળામાં 16 વર્ષના યુવકે કર્યો ગોળીબાર
ઘટનાની વિગતો અનુસાર, બપોરે આશરે 1 વાગ્યાના સુમારે બેન્ડ પોલીસ વિભાગને ઇમરજન્સી કોલ મળ્યો હતો કે શાળા પરિસરમાં એક યુવક ગોળીબાર કરી રહ્યો છે. હુમલાખોરે સૌપ્રથમ શાળા બહાર પાર્ક કરેલી એક કાર પર અને ત્યારબાદ શાળાના મુખ્ય મકાન તરફ ગોળીઓ ચલાવવાનું શરૂ કર્યું હતું. આતંકનો માહોલ સર્જાતા જ શાળા વહીવટીતંત્રે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ પોલીસ અધિકારીઓની કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર કેમ્પસને કોર્ડન કરી લીધું હતું.
શાળાના સુરક્ષા ગાર્ડે કર્યો જવાબી હુમલો?
તપાસ દરમિયાન પોલીસને કેમ્પસની અંદરથી હથિયાર સાથે એક શંકાસ્પદ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો, જેના માથાના ભાગે ગોળી વાગેલી હતી. બેન્ડ પોલીસ વિભાગના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, હાલ પોલીસ તપાસનો મુખ્ય વિષય એ છે કે શું આ મૃતદેહ હુમલાખોરનો જ છે? જો તે હુમલાખોર હતો, તો તેને કોણે ગોળી મારી અથવા તેણે આત્મહત્યા કરી છે કે કેમ, તે અંગેની ચકાસણી ચાલી રહી છે. પ્રાથમિક અહેવાલો મુજબ, શાળાના સુરક્ષા ગાર્ડે જવાબી કાર્યવાહીમાં તેને ગોળી મારી હોવાની પણ શક્યતા છે.
2 લોકોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા
ગોળીબારમાં ઘવાયેલા 2 લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને હાલ તેમની સ્થિતિ ખતરા બહાર હોવાનું જાણવા મળ્યું છે. સુરક્ષિત બાળકોને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે, જ્યારે મૃતદેહોને જરૂરી કાનૂની કાર્યવાહી બાદ અંતિમ સંસ્કાર માટે સ્વજનોને સોંપવામાં આવ્યા છે.
16 વર્ષના સગીરે આટલું મોટું પગલુ કેમ ભર્યુ?
સિલ્વર રેલ પ્રાથમિક શાળામાં કિન્ડરગાર્ડનથી પાંચમા ધોરણ સુધીના 5 થી 11 વર્ષની વયના આશરે 450 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમની દેખરેખ માટે 40 સ્ટાફ સભ્યો કાર્યરત છે. 16 વર્ષના સગીરે આટલું મોટું પગલું કેમ ભર્યું અને આ હુમલા પાછળનો મુખ્ય હેતુ શું હતો, તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. પોલીસ વહીવટીતંત્ર દ્વારા સમગ્ર કેસની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે અને ટૂંક સમયમાં મીડિયા બ્રીફિંગમાં વધુ વિગતો જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચોઃ US News: હવે રાત્રે પણ તમે લઇ શકશો સૂર્યનો પ્રકાશ, ભારતની કંપની અમેરિકાને કરશે મદદ