મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભયંકર સંઘર્ષ વચ્ચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક ચોંકાવનારો દાવો કરીને વિશ્વભરમાં ખળભળાટ મચાવી દીધો છે. ટ્રમ્પે જાહેરાત કરી છે કે ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેની હવે જીવિત નથી. આ સમાચાર ' The Spectator Index ' દ્વારા પણ ટાંકવામાં આવ્યા છે, જેમાં ટ્રમ્પના સીધા નિવેદનનો ઉલ્લેખ છે.

ટ્રમ્પનો સીધો હુમલો અને ખુલાસો

ડોનાલ્ડ ટ્રમ્પે આ અત્યંત સંવેદનશીલ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "ખામેનેઇ મને મારી શકે તે પહેલાં જ મેં તેને મારી નાખ્યો છે. તેણે મને નિશાન બનાવવાના બે વાર પ્રયાસ કર્યા હતા, પરંતુ અમે તેને પહેલા જ ખતમ કરી દીધો છે." ટ્રમ્પના આ નિવેદને સ્પષ્ટ કરી દીધું છે કે અમેરિકા હવે રક્ષણાત્મક નહીં પણ આક્રમક મોડમાં છે. તેમણે ઈરાનના શાસનને 'લોહીલુહાણ આતંકવાદી શાસન' ગણાવતા કહ્યું કે છેલ્લા 50 વર્ષથી આ શાસન અમેરિકા અને ઈઝરાયેલ વિરુદ્ધ ઝેર ઓકી રહ્યું હતું, જે હવે સહન કરવામાં આવશે નહીં.


'ઓપરેશન એપિક ફ્યુરી' (Operation Epic Fury)

ટ્રમ્પે માહિતી આપી હતી કે છેલ્લા 36 કલાકથી અમેરિકા અને તેના સાથી દેશો દ્વારા 'ઓપરેશન એપિક ફ્યુરી' ચલાવવામાં આવી રહ્યું છે. ઈરાનમાં સેંકડો વ્યૂહાત્મક લક્ષ્યો પર હુમલો કરવામાં આવ્યો છે.ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડના તમામ મુખ્ય બેઝ અને હવાઈ સંરક્ષણ પ્રણાલીઓને નષ્ટ કરવામાં આવી છે. ઈરાનના નવ જહાજો અને તેમના નૌકાદળના મથકોનો સંપૂર્ણ નાશ કરાયો છે. સમગ્ર લશ્કરી કમાન્ડ ચેઈનને તોડી પાડવામાં આવી છે.

ઈરાની સેના અને જનતાને અપીલ

ટ્રમ્પે ઈરાનની સેના, પોલીસ અને રિવોલ્યુશનરી ગાર્ડને સીધી ધમકી આપતા કહ્યું છે કે જો તેઓ સુરક્ષા ઈચ્છતા હોય તો તાત્કાલિક હથિયારો હેઠા મૂકી દે, અન્યથા તેમને મોતનો સામનો કરવો પડશે. બીજી તરફ, તેમણે ઈરાનના નાગરિકોને પ્રોત્સાહિત કરતા કહ્યું કે, બહાદુર બનો અને આ તકનો લાભ લઈ તમારો દેશ પાછો મેળવો. અમેરિકા તમારી આઝાદીની લડાઈમાં તમારી સાથે છે.