અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા ટેરિફ્સના કારણે છેલ્લા કેટલાક સમયથી અમેરિકા અને કેનેડા વચ્ચે વ્યાપારિક તણાવ વધી ગયો છે. ખાસ કરીને સ્ટીલ, એલ્યુમિનિયમ અને ઓટો સેક્ટર પર પડેલા પ્રભાવને કારણે કેનેડા હવે વિકલ્પ બજારો તરફ વળી રહ્યું છે. આવી સ્થિતિમાં ભારત કેનેડા માટે એક મહત્વપૂર્ણ અને વિશ્વસનીય ભાગીદાર બની રહ્યું છે.

પોતાની પ્રથમ સત્તાવાર ભારત મુલાકાત

કેનેડાના નવા વડા પ્રધાન Mark Carney પોતાની પ્રથમ સત્તાવાર ભારત મુલાકાતે આવી રહ્યા છે. PM Narendra Modiના આમંત્રણ પર કાર્ની 27 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી ભારતમાં રહેશે. આ મુલાકાતને બંને દેશો વચ્ચેના સંબંધોમાં નવી શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે, કારણ કે પૂર્વ પીએમ Justin Trudeauના કાર્યકાળ દરમિયાન દ્વિપક્ષીય સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો.

ભારત–કેનેડા સંબંધોમાં નવી દિશા

કાર્નીની ભારત મુલાકાત દરમિયાન વેપાર અને રોકાણ ઉપરાંત ઊર્જા, આવશ્યક ખનિજો, કૃષિ, શિક્ષણ, સંશોધન અને નવીનતા જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. કાર્ની મુંબઈ અને નવી દિલ્હીમાં બિઝનેસ મીટિંગ્સ કરશે અને બંને દેશોના સીઈઓ, ઉદ્યોગ નેતાઓ, નાણાકીય નિષ્ણાતો તેમજ ભારતમાં કાર્યરત કેનેડિયન પેન્શન ફંડ્સ સાથે વાતચીત કરશે. 2 માર્ચે હૈદરાબાદ હાઉસ ખાતે તેઓ PM મોદીને મળશે.

ટ્રમ્પ ટેરિફ પછી ભારતનું મહત્વ

અમેરિકા સાથે વધતા તણાવને કારણે કેનેડા પોતાની નિકાસ માટે નવા મજબૂત બજારો શોધી રહ્યું છે. ભારત ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે, મોટું ગ્રાહક બજાર છે અને મેન્યુફેક્ચરિંગથી લઈને ફાર્માસ્યુટિકલ્સ સુધી અનેક ક્ષેત્રોમાં તેની મજબૂત હાજરી છે. આ કારણે કેનેડા ભારત સાથે લાંબા ગાળાના વ્યાપારિક અને વ્યૂહાત્મક સંબંધો મજબૂત કરવા ઈચ્છે છે.

ભારત–કેનેડા વચ્ચે વેપાર કેટલો છે?

ભારત અને કેનેડા વચ્ચેનો વેપાર સંબંધ લાંબા સમયથી મજબૂત રહ્યો છે. તાજેતરના રાજકીય તણાવ છતાં આયાત–નિકાસ પર મોટો અસર પડી નથી. અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2022–23માં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર આશરે 8.3 અબજ ડોલર હતો, જે 2023–24માં વધીને 8.4 અબજ ડોલર થયો. 2024–25માં કુલ વેપાર લગભગ 8.8 અબજ ડોલર રહ્યો, જ્યારે 2025–26માં થોડો ઘટાડો જોવા મળ્યો.

બંને દેશો શું ખરીદે અને વેચે છે?

ભારત કેનેડામાં રત્નો, ઘરેણાં, કિંમતી પથ્થરો, ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો, તૈયાર વસ્ત્રો, યાંત્રિક ઉપકરણો, કાર્બનિક રસાયણો, હળવા એન્જિનિયરિંગ માલ તથા લોખંડ–સ્ટીલ નિકાસ કરે છે. બીજી તરફ, કેનેડા ભારતને કાગળ, લાકડાનો પલ્પ, પોટાશ, લોખંડનો ભંગાર, તાંબુ, વિવિધ ખનિજો અને ઔદ્યોગિક રસાયણો સપ્લાય કરે છે.

ભારત અને કેનેડા બંને માટે એકબીજા સાથે નજીકથી કામ

ટ્રમ્પ ટેરિફ પછી ઉભી થયેલી વૈશ્વિક પરિસ્થિતિમાં ભારત અને કેનેડા બંને માટે એકબીજા સાથે નજીકથી કામ કરવાની તક છે. માર્ક કાર્નીની ભારત મુલાકાત માત્ર વેપાર વધારવા પૂરતી નથી, પરંતુ બંને દેશો વચ્ચે વિશ્વાસ અને સહયોગને નવી ઊંચાઈએ લઈ જવાનો પ્રયાસ છે.

આ પણ વાંચો : China Iran US tension : ચીનની અમેરિકાને ખુલ્લી ધમકી, ઈરાન પર હુમલો થયો તો દુર્લભ ધાતુની નિકાસ બંધ