વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વૈશ્વિક સ્તરે ભારતની છબી સતત મજબૂત થઈ રહી છે. આર્થિક અને વ્યૂહાત્મક રીતે ઝડપથી શક્તિશાળી બની રહેલા ભારત પર હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વિશ્વાસ વધી રહ્યો છે. આ વાતનો પુરાવો ઓસ્ટ્રેલિયાના પ્રતિષ્ઠિત થિંક-ટેન્ક 'લોવી ઇન્સ્ટિટ્યૂટ' (Lowy Institute) ના તાજેતરના સર્વેક્ષણમાં જોવા મળ્યો છે. આ સર્વે અનુસાર, ઓસ્ટ્રેલિયાના નાગરિકોએ અમેરિકા, ચીન અને રશિયા જેવા વૈશ્વિક સુપરપાવર દેશો કરતા ભારતને વધુ ભરોસાપાત્ર ગણાવ્યું છે.


50 ટકા ઓસ્ટ્રેલિયાઈ નાગરિકોનો ભારત પર અતૂટ વિશ્વાસ

જૂન 2026માં જાહેર થયેલા લોવી ઇન્સ્ટિટ્યૂટના અહેવાલ મુજબ, ૫૦ ટકા ઓસ્ટ્રેલિયાઈ નાગરિકો ભારત પર સંપૂર્ણ ભરોસો રાખે છે. તેનાથી વિપરીત, માત્ર ૩૧ ટકા લોકોએ જ અમેરિકા પર પોતાનો વિશ્વાસ દર્શાવ્યો છે. જ્યારે ચીન પર ભરોસો કરનારા લોકોની સંખ્યા ૨૮ ટકા અને રશિયા પર વિશ્વાસ રાખનારા લોકોની સંખ્યા માત્ર ૧૧ ટકા નોંધાઈ છે. આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે વૈશ્વિક મંચ પર ભારતનો પ્રભાવ અને લોકપ્રિયતા કઈ હદે વધી રહ્યા છે.

વૈશ્વિક બાબતોમાં ભારત એક જવાબદાર ભાગીદાર

રિપોર્ટના વિશ્લેષણ અનુસાર, ૪૬ ટકા ઓસ્ટ્રેલિયાઈ નાગરિકોનું માનવું છે કે ભારત વૈશ્વિક બાબતોમાં ખૂબ જ જવાબદારીપૂર્વક ભૂમિકા ભજવશે. આ ઉપરાંત, ૪ ટકા લોકોએ ભારતની વર્તમાન લીડરશિપ પર 'ખૂબ જ વધારે ભરોસો' વ્યક્ત કર્યો છે. આ પરિણામો દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને એક પરિપક્વ, સ્થિર અને વિશ્વાસુ મિત્ર દેશ તરીકે જોવામાં આવી રહ્યો છે.

અમેરિકા અને ચીન પરથી લોકોનો મોહભંગ થયો

આ સર્વેનું સૌથી ચોંકાવનારું પાસું એ છે કે દુનિયાની બે મોટી સત્તાઓ ગણાતા અમેરિકા અને ચીન પ્રત્યે ઓસ્ટ્રેલિયાના લોકો હવે વધુ સાવધ અને શંકાશીલ બન્યા છે. ખાસ કરીને અમેરિકા પરનો ભરોસો ઘટીને ૩૧ ટકા થઈ ગયો છે, જે આ સર્વેના ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી નીચું સ્તર છે. બંને દેશોની આક્રમક નીતિઓને કારણે લોકોનો તેમના પરથી વિશ્વાસ ઘટ્યો છે.

નિષ્ણાતોના મતે, ભારતની મજબૂત આર્થિક સ્થિતિ, સક્રિય વિદેશ નીતિ અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વધી રહેલી મહત્વની ભૂમિકાએ દેશને આ નવી ઊંચાઈ પર પહોંચાડ્યો છે. પીએમ મોદીની વૈશ્વિક ઓળખ અને મુત્સદ્દીગીરીને કારણે જ આજે ઓસ્ટ્રેલિયા જેવા વ્યૂહાત્મક ભાગીદાર દેશમાં પણ ભારત પ્રત્યેનો આદર અને વિશ્વાસ સતત મજબૂત થઈ રહ્યો છે.

આ પણ વાંચો:Iran: અયાતુલ્લા ખામેનેઈના અંતિમ સંસ્કારમાં સામેલ થવા PM મોદીને આમંત્રણ, ઈરાનના રાષ્ટ્રપતિએ મોકલ્યો સંદેશ

  • Follow us on: