ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈરાનની મુલાકાત લેવા માટે સત્તાવાર આમંત્રણ મોકલ્યું છે. આ આમંત્રણ ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર અને વિદાય કાર્યક્રમમાં સામેલ થવા માટે આપવામાં આવ્યું છે. અમેરિકા અને ઈઝરાયેલના હવાઈ હુમલામાં ખામેનેઈનું અવસાન થયું હતું. હવે અમેરિકા સાથે શાંતિ સમજૂતી થયા બાદ, ઈરાન આ કાર્યક્રમને પોતાની સાર્વભૌમત્વ અને શક્તિના પ્રદર્શન તરીકે ભવ્ય રીતે આયોજિત કરી રહ્યું છે.


અંતિમ સંસ્કાર સાથે જોડાયેલા મુખ્ય કાર્યક્રમો 4 જુલાઈ 2026થી શરૂ થશે અને 5 દિવસ સુધી ચાલશે. ત્યારબાદ 9 જુલાઈ 2026ના રોજ તેમના હોમટાઉન મશહદમાં દફનવિધિ સાથે આ કાર્યક્રમ સંપન્ન થશે.

યુદ્ધના કારણે કાર્યક્રમ લંબાયો હતો

અયાતુલ્લા અલી ખામેનેઈનું અવસાન 28 ફેબ્રુઆરી 2026ના રોજ અમેરિકા-ઈઝરાયેલના હવાઈ હુમલા દરમિયાન થયું હતું. તે સમયે તેમનો અંતિમ સંસ્કાર માર્ચ મહિનામાં નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ ક્ષેત્રમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધના કારણે તેને સ્થગિત કરવો પડ્યો હતો. હવે યુદ્ધ સમાપ્ત થયા બાદ નવી તારીખો જાહેર કરવામાં આવી છે. અગાઉ, તેમના અવસાન બાદ ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ નવી દિલ્હી સ્થિત ઈરાની દૂતાવાસની મુલાકાત લઈને ભારત સરકાર વતી શોક પુસ્તિકામાં સંદેશ લખ્યો હતો. જો કે, આ આગામી કાર્યક્રમમાં ભારત તરફથી કોણ ભાગ લેશે તે હજુ સત્તાવાર રીતે જાહેર કરાયું નથી.

5 દિવસ ચાલશે ભવ્ય વિદાય કાર્યક્રમ

૪ અને ૫ જુલાઈ: તેહરાનની ઈમામ ખુમેની ગ્રાન્ડ મોસલ્લામાં ખામેનેઈના પાર્થિવ દેહને જનતાના અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.

૬ જુલાઈ: તેહરાનમાં વિશાળ અંતિમ યાત્રા નીકળશે, જેમાં લાખો લોકો જોડાશે.

૭ જુલાઈ: પવિત્ર શહેર ક્યોમ (Qom) ખાતે વિશેષ સમારોહ યોજાશે.

૯ જુલાઈ: મશહદની પ્રખ્યાત ઈમામ રઝા દરગાહ ખાતે તેમને સુપુર્દ-એ-ખાક (દફન) કરવામાં આવશે.

2 કરોડ લોકો ઉમટવાની આશા

ઈરાન સરકારના અંદાજ મુજબ આ પાંચ દિવસીય કાર્યક્રમોમાં સમગ્ર દેશમાંથી આશરે 2 કરોડ જેટલા લોકો ઉમટી શકે છે. તેહરાનમાં 24 કલાકના વિશેષ સમારોહનું આયોજન છે અને સમગ્ર દેશમાં સરકારી રજા જાહેર થઈ શકે છે. સુરક્ષા, વાહનવ્યવહાર અને લોજિસ્ટિક્સ માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય એકતા દર્શાવવાના હેતુથી ઈરાને વિશ્વના ઘણા આંતરરાષ્ટ્રીય નેતાઓને આમંત્રણ મોકલ્યા છે, જેમાં ભારતના પીએમ નરેન્દ્ર મોદીનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો: Gold Production:ફરવાની સાથે કરવું છે સોનાનું શોપિંગ?આ 5 દેશમાં જવાનો બનાવો પ્લાન

  • Follow us on: