મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં વેપારી જહાજોની અવરજવર અંગે ચિંતા ઉભી થઈ છે. વિશ્વના મોટા ભાગનું ક્રૂડ ઓઈલ આ માર્ગથી પસાર થાય છે, તેથી જો અહીં કોઈ અવરોધ ઉભો થાય તો ઘણા દેશો માટે ઊર્જા પુરવઠો પ્રભાવિત થઈ શકે છે.
ભારતમાં હાલ ક્રૂડ ઓઈલ
સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે ભારતમાં હાલ ક્રૂડ ઓઈલ, પેટ્રોલિયમ ઉત્પાદનો અને LPGનો સારો સ્ટોક ઉપલબ્ધ છે. સરકારના જણાવ્યા મુજબ આ સ્ટોક હોર્મુઝ સ્ટ્રેટમાંથી આવતા સંભવિત પુરવઠાની અછત કરતા પણ વધારે છે. એટલે કે, હાલની સ્થિતિમાં ભારતને તાત્કાલિક કોઈ ગંભીર અછતનો સામનો કરવો પડશે એવી શક્યતા ઓછી છે.
જો કઇ થાય તો ભારત...
સરકારના સૂત્રો અનુસાર, જો મધ્ય પૂર્વમાંથી પુરવઠામાં કોઈ વિક્ષેપ થાય તો ભારત અન્ય પ્રદેશોમાંથી આયાત વધારશે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે ઊર્જા સ્ત્રોતોને વિવિધ દેશોમાંથી મેળવવાની નીતિ અપનાવી છે જેથી કોઈ એક વિસ્તારમાં સંકટ ઉભું થાય તો પુરવઠો ચાલુ રાખી શકાય.
રશિયા પાસેથી વધતી આયાત
સૂત્રોએ વધુમાં જણાવ્યું કે 2022 પછીથી ભારત રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ ખરીદી રહ્યું છે. 2022માં ભારતની કુલ આયાતમાં રશિયન તેલનો હિસ્સો માત્ર 0.2 ટકા હતો. પરંતુ હવે આ આંકડો નોંધપાત્ર રીતે વધ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં ભારતે પોતાની કુલ ક્રૂડ ઓઈલ આયાતમાંથી લગભગ 20 ટકા રશિયા પાસેથી ખરીદી હતી. આ સમયગાળા દરમિયાન દરરોજ આશરે 1.04 મિલિયન બેરલ રશિયન તેલ ભારત આવી રહ્યું હતું. આથી સ્પષ્ટ થાય છે કે ભારત ઊર્જા પુરવઠાને સુરક્ષિત રાખવા માટે વિકલ્પો વધારી રહ્યું છે.
MRPL રિફાઇનરી વિશે સ્પષ્ટતા
તાજેતરમાં સોશિયલ મીડિયા અને કેટલાક અહેવાલોમાં MRPL રિફાઇનરી બંધ થવાની ચર્ચા ચાલી રહી હતી. પરંતુ સરકારે આ અહેવાલોને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા છે. સરકારના જણાવ્યા મુજબ MRPL રિફાઇનરી પાસે પૂરતો કાચો માલ અને સ્ટોક ઉપલબ્ધ છે અને ઉત્પાદન સામાન્ય રીતે ચાલુ છે. સરકારએ દેશની તમામ LPG રિફાઇનરીઓને LPG ઉત્પાદન વધારવા માટે પણ સૂચના આપી છે. ઉપરાંત જો જરૂર પડે તો પેટ્રોકેમિકલ ઉત્પાદનોનો ઉપયોગ ઘરેલુ વપરાશ માટે પણ કરવામાં આવશે.
અમેરિકાથી LPG આયાત
ભારતે ઊર્જા સુરક્ષા વધારવા માટે અમેરિકા સાથે પણ કરાર કર્યો છે. જાન્યુઆરીથી અમેરિકાથી LPG ભારત આવવાનું શરૂ થયું છે. નવેમ્બર 2025માં ભારતીય જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓએ અમેરિકાના ગલ્ફ કોસ્ટમાંથી લગભગ 2.2 મિલિયન ટન LPG આયાત કરવા માટે એક વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરારથી ભારતને LPG પુરવઠામાં સ્થિરતા મળશે અને કોઈ પણ સંકટ સમયે ઘરેલુ વપરાશ માટે પૂરતો ગેસ ઉપલબ્ધ રહેશે.
ભારતની ઊર્જા સુરક્ષા મજબૂત
વિશ્વમાં ચાલી રહેલા તણાવ છતાં ભારતે ઊર્જા પુરવઠા માટે વિવિધ દેશો સાથે સંબંધો મજબૂત બનાવ્યા છે. રશિયા, અમેરિકા અને અન્ય પ્રદેશોમાંથી વધતી આયાતના કારણે ભારત કોઈ એક માર્ગ અથવા એક દેશમાં નિર્ભર રહેતું નથી. આ કારણે મધ્ય પૂર્વમાં તણાવ હોવા છતાં ભારતમાં તેલ અને ગેસની અછત સર્જાવાની શક્યતા હાલમાં ઓછી ગણાઈ રહી છે.
આ પણ વાંચો : US Iran war Impact: ઈરાન, ઈઝરાયલ અને અમેરિકાની વોર વચ્ચે ભારતના વેપારીઓ ખોટના ખાડામાં, વાંચો ક્યાં અટવાયા 1000 કન્ટેનર