સંયુક્ત રાષ્ટ્ર (UN)ના મંચ પર ભારતે ફરી એકવાર પાકિસ્તાનને વૈશ્વિક સ્તરે આડે હાથ લીધું છે. યુએન જનરલ એસેમ્બલી (UNGA) ના સત્ર દરમિયાન ભારતે જમ્મુ અને કાશ્મીર પર પાકિસ્તાનની બિનજરૂરી અને પાયાવિહોણી ટિપ્પણીઓનો સખત વિરોધ કરીને તેને ખોટી વાર્તા (False Narrative) ગણાવીને ફગાવી દીધી છે. યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી.હરીશે પાકિસ્તાનને ભારત વિરૂદ્ધ આવા પક્ષપાતી એજન્ડા ચલાવવાનું બંધ કરવા માટે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે.


પાકિસ્તાનનો દુરુપયોગ અને ભારતનો વળતો પ્રહાર

આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે સુરક્ષા પરિષદના વાર્ષિક અહેવાલ પર ચર્ચા દરમિયાન પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિ અસીમ ઇફ્તિખાર અહેમદે રાબેતા મુજબ જમ્મુ-કાશ્મીરનો રાગ આલાપવાનું શરૂ કર્યું.ભારતે તાત્કાલિક પાકિસ્તાનના આ પ્રોપેગેન્ડાનો પર્દાફાશ કર્યો હતોભારતના કાયમી પ્રતિનિધિ પી.હરીશે વૈશ્વિક મંચ પરથી ગર્જના કરતાં કહ્યું કે,પાકિસ્તાનની ખોખલી વાણીથી વાસ્તવિકતા બદલાવાની નથી.તેમણે પુનરોચ્ચાર કર્યો કે જમ્મુ અને કાશ્મીરને લગતી તમામ બાબતો સંપૂર્ણપણે ભારતનો આંતરિક મામલો છે.આ કેન્દ્રશાસિત પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે અને હંમેશા રહેશે.ભારતે નારાજગી વ્યક્ત કરતા ઉમેર્યું કે, પાકિસ્તાન પોતાના સંકુચિત અને વિભાજનકારી રાજકીય સ્વાર્થ માટે યુએન જેવા શાંતિના પ્રતિષ્ઠિત પ્લેટફોર્મનો સતત દુરુપયોગ કરી રહ્યું છે. નોંધનીય છે કે સુરક્ષા પરિષદમાં અસ્થાયી સભ્ય તરીકે પાકિસ્તાનનો બે વર્ષનો કાર્યકાળ આ વર્ષે સમાપ્ત થઈ રહ્યો છે.

વિદેશ મંત્રાલયએ પાકિસ્તાન સરકા પર કર્યા પ્રહાર

UN સિવાય ભારતે બીજા મોરચે પણ ઇસ્લામાબાદને ઘેર્યું છે.પાકિસ્તાન સરકાર દ્વારા ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં યોજાનારી કહેવાતી વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ સામે ભારતના વિદેશ મંત્રાલયે (MEA)ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.વિદેશ મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, આ આખો પ્રદેશ ભારતનો છે, જેના પર પાકિસ્તાને ગેરકાયદેસર રીતે બળજબરીથી કબજો જમાવ્યો છે.પાકિસ્તાન ત્યાં ચૂંટણીનું નાટક કરીને જમીની હકીકતો અને ત્યાં થઈ રહેલા ગંભીર માનવાધિકાર ઉલ્લંઘનોને છુપાવી શકે નહીં. પીઓકે (PoK) માં લાંબા સમયથી ચાલી રહેલું રાજકીય દમન,આર્થિક શોષણ અને સ્થાનિક લોકોની સ્વતંત્રતા છીનવી લેવાની પાકિસ્તાની કરતૂતો હવે દુનિયા સામે ખુલ્લી પડી ગઈ છે.

આ પણ વાંચો - 'ભારત પશ્ચિમના દબાણ આગળ ક્યારેય ઝૂકશે નહીં..', SPIEFમાં ગર્જ્યા પુતિન



  • Follow us on: