પાકિસ્તાને ભારત સાથે જોડાયેલી સરહદ પર મોટી સંખ્યામાં ચીન નિર્મિત 'SH-15' વ્હીલ્ડ સેલ્ફ-પ્રોપેલ્ડ હોવિત્ઝર (તોપો) તૈનાત કરી હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. અહેવાલો મુજબ, પાકિસ્તાને સીમા પર આવી આશરે ૨૫૦ જેટલી ચીની તોપો ગોઠવી દીધી છે. આ આક્રમક ગતિવિધિઓ સામે ભારત સરકારના વિદેશ મંત્રાલય (MEA) એ કડક વલણ અપનાવતા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારત પોતાના રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે જે પણ જરૂરી હશે તે તમામ સખત પગલાં ભરશે.
વિદેશ મંત્રાલયનો આતંકવાદ પર સ્પષ્ટ સંદેશ
વિદેશ મંત્રાલયની સાપ્તાહિક મીડિયા બ્રીફિંગ દરમિયાન પ્રવક્તા રણધીર જયસ્વાલે સીમાપારથી ફેલાવાતા આતંકવાદ અને બોર્ડર પરની સ્થિતિ અંગે ભારતનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સીમાપાર આતંકવાદ પર ભારતનો દૃષ્ટિકોણ સ્પષ્ટ છે અને તેમાં કોઈ ફેરફાર થયો નથી. ભૂતકાળમાં 'ઓપરેશન સિંદૂર' નો ઉલ્લેખ કરતા તેમણે યાદ અપાવ્યું હતું કે ભારતે પાકિસ્તાનને કેવો મોંસૂઝડતો જવાબ આપ્યો હતો. તેમણે ઉમેર્યું કે સીમાપારથી થતો આતંકવાદ સંપૂર્ણપણે બંધ થવો જોઈએ.
PoK માં ચૂંટણી માત્ર એક 'દિખાવો:90 નાગરિકોના મોત
આ ઉપરાંત, વિદેશ મંત્રાલયે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ની સ્થિતિ અંગે પણ પાકિસ્તાન સરકાર અને સેનાની આકરા શબ્દોમાં સખત ટીકા કરી હતી. રણધીર જયસ્વાલે PoK માં યોજાઈ રહેલી સ્થાનિક ચૂંટણીઓને એક સંપૂર્ણ 'દિખાવા' અને ખોખલી પ્રક્રિયા ગણાવી હતી. તેમણે જાહેર કર્યું કે આ વર્ષના જૂન મહિનાથી PoK માં ચાલી રહેલી પાકિસ્તાની સૈન્ય કાર્યવાહીમાં ઓછામાં ઓછા 90 નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે.
પાકિસ્તાની દમનગીરી સામે આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ
પાકિસ્તાની તંત્ર સ્થાનિક જનતાના વિરોધ અને અસંતોષને દબાવવા માટે ગોળીબાર, વીજળી કાપ, ડર અને દમનકારી નીતિઓનો સહારો લઈ રહ્યું છે. ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી છે કે તેઓ આ માનવાધિકાર ઉલ્લંઘન માટે ઇસ્લામાબાદને જવાબદાર ઠેરવે.
લશ્કરના કમાન્ડરોના મોતના દાવા પર ભારતનું રૂખ
આ સાથે જ, મીડિયા દ્વારા એક વાયરલ વીડિયો અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં જેમાં લશ્કર-એ-તૈયબાના સભ્યોએ દાવો કર્યો હતો કે તેમના ૩૦ થી ૪૦ કમાન્ડરો માર્યા ગયા છે અને તે માટે ભારતીય એજન્સીઓ જવાબદાર છે, ત્યારે વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે ભારત પોતાની સરહદો અને દેશના હિતોની સુરક્ષા માટે કોઈ પણ બાંધછોડ કરશે નહીં.
આ પણ વાંચો: US Iran War: ઈરાન યુદ્ધમાં અમેરિકાનો મિસાઈલ ભંડાર ખાલી થવાના આરે