સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતે પાકિસ્તાનની આકરી ટીકા કરતા વૈશ્વિક મંચ પર તેને ખુલ્લું પાડ્યું છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનનો નરસંહાર અને હિંસાનો ઊંડો કલંકિત ઇતિહાસ રહ્યો છે, અને તે પોતાની આંતરિક નિષ્ફળતાઓ છુપાવવા માટે દેશની અંદર અને બહાર આતંક ફેલાવવાનું કામ કરે છે. "સશસ્ત્ર સંઘર્ષોમાં નાગરિકોનું રક્ષણ" વિષય પર આયોજિત UNSC ની વાર્ષિક ચર્ચા દરમિયાન બંને દેશો વચ્ચે આ ગરમાગરમ ચર્ચા થઈ હતી.

કાશ્મીર મુદ્દા પર ભારતનો કડક સણસણતો જવાબ

બેઠક દરમિયાન જ્યારે પાકિસ્તાની પ્રતિનિધિએ હંમેશ મુજબ જમ્મુ અને કાશ્મીરનો રાગ આલાપવાનો પ્રયાસ કર્યો, ત્યારે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ, રાજદૂત હરીશ પર્વતનેનીએ તેને જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતીય રાજદૂતે પાકિસ્તાનનો હિંસક ચહેરો દુનિયા સમક્ષ ઉજાગર કરતા કહ્યું, "એ અત્યંત વિચિત્ર અને હાસ્યાસ્પદ છે કે નરસંહારનો લાંબો અને કલંકિત ઇતિહાસ ધરાવતું પાકિસ્તાન આજે એવા મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યું છે જે સંપૂર્ણપણે ભારતના આંતરિક મામલા છે."

અફઘાનિસ્તાન પર પાકિસ્તાની હવાઈ હુમલાનો પર્દાફાશ

ભારતે આ વર્ષે માર્ચ મહિનામાં અફઘાનિસ્તાન પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાનો મુદ્દો પણ વૈશ્વિક મંચ પર જોરશોરથી ઉઠાવ્યો હતો. રાજદૂત પર્વથાનેનીએ યાદ અપાવ્યું કે, પવિત્ર રમઝાન મહિનામાં જ્યારે ચારેય તરફ શાંતિનું વાતાવરણ હતું, ત્યારે પાકિસ્તાને કાબુલની 'ઉમીદ વ્યસન મુક્તિ હોસ્પિટલ' પર ક્રૂર હવાઈ હુમલો કર્યો હતો. યુએનના ડેટા અનુસાર, આ કાયરતાપૂર્ણ હુમલામાં 269 નિર્દોષ નાગરિકો માર્યા ગયા હતા અને 122 ઘાયલ થયા હતા. મસ્જિદમાંથી નમાજ પઢીને બહાર નીકળતા લોકોને નિશાન બનાવનાર પાકિસ્તાન આ હુમલા બાદ વૈશ્વિક સ્તરે ક્ષોભજનક સ્થિતિમાં મુકાયું છે.

1971ના નરસંહારની યાદ અપાવી પાકિસ્તાનને 'દંભી' ગણાવ્યું

ભારતે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મંચ પર 'દંભી' ગણાવતા ઇતિહાસના પાના પણ ફેરવ્યા હતા. ભારતે યાદ અપાવ્યું કે 1971માં 'ઓપરેશન સર્ચલાઇટ' દરમિયાન, પાકિસ્તાની સેનાએ તત્કાલીન પૂર્વ પાકિસ્તાન (હવે બાંગ્લાદેશ) માં પોતાના જ નાગરિકો પર બોમ્બમારો કર્યો હતો અને 4 લાખ મહિલાઓ પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. જે દેશનો ઇતિહાસ આવા આયોજિત નરસંહારથી ભરેલો હોય, તે આંતરરાષ્ટ્રીય કાયદાની વાત કરે તે હાસ્યાસ્પદ છે.


આ પણ વાંચો----     PM Modiની અધ્યક્ષતામાં આજે મંત્રી પરિષદની મેગા બેઠક, આ મુદ્દે લેવાઇ શકે છે મહત્વનો નિર્ણય