ભારત અને અમેરિકા વચ્ચે છેલ્લા ઘણા મહિનાઓથી વેપાર અને ટેરિફને લઈને તણાવ ચાલી રહ્યો હતો. હવે આ તણાવનો અંત આવ્યો છે અને બંને દેશો વચ્ચે એક ઐતિહાસિક વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવાર, 2 ફેબ્રુઆરીના રોજ આ મહત્વપૂર્ણ કરારની સત્તાવાર જાહેરાત કરી હતી.
ટેરિફને 50% થી ઘટાડીને 18%
આ કરાર મુજબ, અમેરિકાએ ભારતીય માલ પર લાગેલા કુલ ટેરિફને 50% થી ઘટાડીને 18% કર્યો છે. આ નિર્ણય તરત જ અમલમાં આવ્યો છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે લગભગ 30 મિનિટ સુધી થયેલી ફોન પરની વાતચીત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પગલાને ભારત માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહી છે.
ભારતની ઉર્જા નીતિમાં ફેરફાર
આ સોદાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ ભારતની ઉર્જા નીતિમાં ફેરફાર છે. ભારતે હવે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ કરવાની સંમતિ આપી છે. તેના બદલે ભારત અમેરિકા અને સંભવિત રીતે વેનેઝુએલા પાસેથી વધુ તેલ ખરીદશે. અમેરિકાનું માનવું છે કે આ નિર્ણય યુક્રેન યુદ્ધ માટે રશિયાને મળતા નાણાકીય સહાયને રોકવામાં મદદરૂપ થશે.
અમેરિકાથી લગભગ $500 બિલિયન
આ સાથે જ ભારતે આગામી કેટલાક વર્ષોમાં અમેરિકાથી લગભગ $500 બિલિયન જેટલા ઉર્જા, ટેકનોલોજી, કૃષિ ઉત્પાદનો અને કોલસાની ખરીદી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ કરારથી બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણને નવી દિશા મળશે. PM નરેન્દ્ર મોદીએ આ કરારનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે આ ‘મેડ ઇન ઇન્ડિયા’ ઉત્પાદનો માટે મોટી જીત છે. તેમણે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચેનો આ સહયોગ બંને લોકશાહી દેશો માટે વિકાસના નવા દરવાજા ખોલશે.
https://twitter.com/narendramodi/status/2018377090840830101
આ કરાર અંગે આશા વ્યક્ત
ટ્રમ્પના ખાસ દૂત સર્જિયો ગોરે પણ આ કરાર અંગે આશા વ્યક્ત કરી હતી. 12 જાન્યુઆરીએ પદભાર સંભાળ્યા બાદ તેમણે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે ચર્ચા દ્વારા ઉકેલ શક્ય છે. તેમણે કહ્યું હતું કે ટ્રમ્પ અને મોદી વચ્ચેની મિત્રતા સાચી છે અને સાચા મિત્રો વચ્ચે મતભેદ હોઈ શકે, પરંતુ અંતે તેઓ તેનો ઉકેલ લાવે છે.
- જો સમયરેખા જોઈએ તો, આ વેપાર વિવાદ ગયા વર્ષે એપ્રિલમાં શરૂ થયો હતો.
- 2 એપ્રિલ 2025: અમેરિકાએ ભારતીય આયાત પર 26% ટેરિફ લગાવ્યો
- 10 એપ્રિલ 2025: ટેરિફ 90 દિવસ માટે સ્થગિત, પરંતુ 10% ડ્યુટી ચાલુ
- 31 જુલાઈ 2025: ભારતીય માલ પર 25% ટેરિફ અને રશિયન તેલ અંગે ચેતવણી
- 7 ઓગસ્ટ 2025: ટેરિફ વધારીને 50% કર્યો
હવે આ નવા કરારથી બંને દેશો વચ્ચેનો તણાવ સમાપ્ત થયો છે અને વેપાર સંબંધોમાં નવી શરૂઆત થઈ છે.
આ પણ વાંચો : US Embassy Venezuela : 7 વર્ષ પછી વેનેઝુએલામાં ખુલશે US એમ્બેસી, માદુરોની ધરપકડના 1 મહિના પછી લેવાયો નિર્ણય