ભારત અને અમેરિકા વચ્ચે થયેલા નવા વેપાર કરારને લઈને વિશ્વભરમાં ચર્ચા ચાલી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ સોદા અંગે જાહેરાત કરતી વખતે રશિયા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ખાસ કરીને ભારત દ્વારા રશિયન તેલની ખરીદી અંગે અમેરિકા તરફથી દબાણની વાતો થઈ રહી છે.

 ભારત એક મોટો દેશ

આ દરમિયાન રશિયાના નાયબ વિદેશ પ્રધાન સેરગેઈ ર્યાબકોવે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેમને આશા છે કે ભારત-અમેરિકા સોદો ભારત અને રશિયા વચ્ચેના સંબંધોને અસર કરશે નહીં. તેમણે કહ્યું કે ભારત એક મોટો દેશ છે અને અહીં દરેક દેશ માટે જગ્યા છે.

“અમેરિકા બધું પોતાના માટે ઇચ્છે છે”

એક મુલાકાતમાં ર્યાબકોવે અમેરિકાની નીતિઓ પર ટીકા કરતા કહ્યું કે હાલની અમેરિકાની નીતિ એકપક્ષીય છે. તેમના અનુસાર, અમેરિકા બધું પોતાના માટે ઇચ્છે છે અને અન્ય દેશોના હિતો વિશે ઓછું વિચારે છે. તેમણે વધુમાં જણાવ્યું કે ટેરિફ અને દબાણની નીતિ દ્વારા પ્રભુત્વ સ્થાપિત કરવાનો પ્રયાસ કરવો યોગ્ય નથી. ર્યાબકોવના મતે, સહયોગ અને પરસ્પર લાભ દ્વારા જ વિશ્વમાં સ્થિરતા અને સમૃદ્ધિ આવી શકે છે.

ભારત-રશિયા વચ્ચે મજબૂત વેપાર સંબંધો

રશિયન મંત્રીએ જણાવ્યું કે ભારત અને રશિયા વચ્ચે વેપારનું પ્રમાણ પહેલાથી જ મોટું છે અને તેની સંભાવનાઓ હજુ વધુ છે. ઊર્જા, રક્ષા અને ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે લાંબા સમયથી સહકાર રહ્યો છે. તેમણે દ્રઢપણે કહ્યું કે ભારત એક સ્વતંત્ર દેશ છે અને તેને પોતાના હિત મુજબ નિર્ણય લેવાનો અધિકાર છે. રશિયાને વિશ્વાસ છે કે ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધો આગળ પણ મજબૂત રહેશે.

બ્રિક્સ અંગે ટ્રમ્પને જવાબ

ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સ જૂથને પશ્ચિમ વિરોધી ગણાવ્યું હતું. આ અંગે ર્યાબકોવે સ્પષ્ટતા કરી કે બ્રિક્સ કોઈ પણ રીતે પશ્ચિમ વિરોધી સંગઠન નથી. તેનો મુખ્ય હેતુ વૈશ્વિક આર્થિક સહકાર વધારવાનો અને વિકાસશીલ દેશોને મજબૂત બનાવવાનો છે. તેમણે કહ્યું કે કોઈએ પણ આ જોડાણ તોડવાનો પ્રયાસ ન કરવો જોઈએ. દેશોએ આયાત-નિકાસ અને રોકાણના ક્ષેત્રોમાં અવરોધો દૂર કરી સહકાર વધારવો જોઈએ. આ સમગ્ર મામલે રશિયાનો સંદેશ સ્પષ્ટ છે – ભારત સાથેના સંબંધો મહત્વપૂર્ણ છે અને એક નવા સોદાથી તે સંબંધોમાં કોઈ નકારાત્મક અસર નહીં થાય તેવી તેમને આશા છે.

આ પણ વાંચો : Jeffrey Epstein : “મેં ત્યાં બપોરનું ભોજન કર્યું…” હોવર્ડ લુટનિકનો એપસ્ટેઇન ટાપુ મુદ્દે મોટો ખુલાસો