ભારત અને અમેરિકા વચ્ચેનો બહુચર્ચિત વેપાર કરાર હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે દાવો કર્યો છે કે બંને દેશો વચ્ચેના વેપાર કરાર પર આગામી 4 થી 5 દિવસમાં સહી થવાની શક્યતા છે. તેમણે જણાવ્યું કે બંને પક્ષો વચ્ચેની વાટાઘાટો લગભગ પૂર્ણ થઈ ચૂકી છે અને હવે માત્ર ઔપચારિક પ્રક્રિયા બાકી છે. અહેવાલો મુજબ, પીયૂષ ગોયલે વધુમાં જણાવ્યું હતું કે આ કરારના પ્રથમ તબક્કાનો કાનૂની ડ્રાફ્ટ માર્ચના મધ્ય સુધીમાં જાહેર થવાની શક્યતા છે. આ કરાર ભારત–અમેરિકા આર્થિક સંબંધોને નવી દિશા આપશે.
બંને દેશોની અર્થવ્યવસ્થા એકબીજાની પૂરક
પીયૂષ ગોયલે અગાઉ જણાવ્યું હતું કે ભારત અને અમેરિકાની અર્થવ્યવસ્થાઓ એકબીજાને પૂરક છે. આ વેપાર કરાર બંને દેશો માટે ફાયદાકારક સાબિત થશે. તેમણે કહ્યું કે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં PM નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત પછી દ્વિપક્ષીય વેપાર કરાર માટે સતત ચર્ચાઓ ચાલી રહી છે.
કૃષિ અને ડેરી ક્ષેત્ર સંપૂર્ણ રીતે સુરક્ષિત
સંસદમાં બોલતા કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટ કર્યું કે આ વેપાર કરાર હેઠળ ભારતના કૃષિ અને ડેરી ક્ષેત્રોને સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે નવી દિલ્હી અને વોશિંગ્ટન DC વચ્ચે થયેલી માળખાગત સમજૂતી ભારતના સંવેદનશીલ અને મહત્વપૂર્ણ ક્ષેત્રોને નુકસાન થવા દેતી નથી.
MSME અને ઉદ્યોગસાહસિકોને મળશે ફાયદો
પીયૂષ ગોયલના જણાવ્યા અનુસાર, આ ભારત–અમેરિકા વેપાર કરારથી MSME, સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગસાહસિકો, કુશળ કામદારો અને ઉદ્યોગોને નવી તકો મળશે. નિકાસમાં વધારો થશે અને રોજગારી સર્જનને પણ વેગ મળશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ કરાર 2047 સુધી વિકસિત ભારત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. સાથે જ, આ કરાર વિશ્વના બે સૌથી મોટા લોકશાહી દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે.
ઊર્જા સોદો ભારતની જરૂરિયાતો પર આધારિત
ઉર્જા મુદ્દે સ્પષ્ટતા કરતા પીયૂષ ગોયલે કહ્યું કે ભારતનો અભિગમ સંપૂર્ણપણે સ્થાનિક જરૂરિયાતો અને ઊર્જા સુરક્ષા પર આધારિત છે. તેમણે જણાવ્યું, “1.4 અબજ ભારતીયો માટે ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.”
ટ્રમ્પનું નિવેદન પણ ચર્ચામાં
નોંધનીય છે કે તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે ભારતે વેપાર અવરોધો ઘટાડ્યા બાદ ભારતીય માલ પરનો ટેરિફ 25% થી ઘટાડીને 18% કરવામાં આવ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે ભારતે રશિયન તેલ ખરીદવાનું બંધ કર્યું છે અને વેનેઝુએલાને વૈકલ્પિક બજાર તરીકે જોવાની તૈયારી બતાવી છે.
આ પણ વાંચો : Bangladesh election : ચૂંટણી પહેલા બાંગ્લાદેશમાં હલચલ, યુનુસ સરકારના મંત્રીઓ દેશ છોડવાની તૈયારીમાં?