ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના આર્થિક સંબંધો એક નવા યુગમાં પ્રવેશવા જઇ રહ્યા છે. બંને દેશો વચ્ચેનો વચગાળાનો વેપાર કરાર હવે તેના અંતિમ અને નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયો છે. વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ કરારના કાયદાકીય મુદ્દાને આખરી ઓપ આપવા માટે ભારતના મુખ્ય વાટાઘાટકાર દર્પણ જૈન આવતા અઠવાડિયે ઉચ્ચ સ્તરીય ટીમ સાથે અમેરિકાની મુલાકાતે જશે.

ટેરિફમાં મોટો ઘટાડો અને રશિયન ક્રૂ઼ડનો વિવાદ

વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે માહિતી આપી હતી કે અમેરિકા ભારતમાંથી નિકાસ થતી વસ્તુઓ પર લાદવામાં આવેલા 25 ટકા પારસ્પરિક ટેરિફને ઘટાડીને 18 ટકા કરવા માટે તૈયાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે,રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી કરવા બદલ અમેરિકાએ ભારત પર દંડ સ્વરૂપે જે 25 ટકા વધારાનો ટેરિફ લાદ્યો હતો. તે 27 ઓગસ્ટના રોજ હટાવી લેવામાં આવ્યો છે. હવે બાકીના ટેરિફમાં પણ આ અઠવાડિયે જ ઘટાડાની જાહેરાચ થઇ શકે છે. જો કોઇ કારણોસર વિલંબ થશે, તો ભારતીય ટીમ અમેરિકામાં રૂબરૂ મળીને આ અવરોધો દૂર કરશે.

7 ફેબ્રુઆરીનું સંયુક્ત નિવેદન અને કાયદાકીય માળખું

ગત 7 ફેબ્રુઆરીએ બંને દેશોએ એક સંયુક્ત નિવેદન જારી કર્યું હતું, જે આ કરારનો પાયો છે. હાલમાં આ નિવેદનને એક મજબૂત કાનૂની દસ્તાવેજમાં ફેરવવાની પ્રક્રિયા ચાલી રહી છે. ભારતનો લક્ષ્યાંક માર્ચ 2026 સુધીમાં આ કરાર પર સત્તાવાર હસ્તાક્ષર કરવાનો છે. રાજેશ અગ્રવાલે સ્પષ્ટ કર્યું હતું કે, શૂન્ય ટેરિફ અને બજારની સરળ પહોંચ (Market Access) જેવી સુવિધાઓ કરાર પર હસ્તાક્ષર થયા પછી જ અમલી બનશે.

ભારતીય અર્થતંત્ર માટે 'ગેમ ચેન્જર' સોદો

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે આ કરારને 'ઐતિહાસિક અને સંતુલિત' ગણાવ્યો છે. તેમના મતે, 30 ટ્રિલિયન ડોલરના વિશાળ અમેરિકન બજારમાં ભારતીય નિકાસકારો માટે નવા દ્વાર ખુલશે. આનાથી ખાસ કરીને:

MSME અને નાના ઉદ્યોગો: વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવાની ક્ષમતા વધશે.

ખેડૂતો અને માછીમારો: કૃષિ પેદાશોની નિકાસ માટે સીધું બજાર મળશે.

યુવાનો અને મહિલાઓ: ટેક્સટાઇલ, આઇટી અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોજગારીની નવી તકો ઊભી થશે.

આ કરાર લગભગ એક વર્ષની લાંબી અને જટિલ વાટાઘાટોનું પરિણામ છે, જે આવનારા સમયમાં ભારત-અમેરિકાના વ્યુહાત્મક સંબંધોને વધુ ગાઢ બનાવશે.

આ પણ વાંચોઃ Epstein files: ટ્રમ્પ વિરુદ્ધ એપસ્ટીનનું કાવતરું? એર ફોર્સ વન પરથી ટ્રમ્પનો મોટો ખુલાસો