વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી (16 નવેમ્બર) ફિલિપાઇન્સની રાજધાની મનીલાના ત્રણ દિવસીય પ્રવાસે છે, જ્યાં તેઓ મહત્વપૂર્ણ ASEAN-ભારત સમિટમાં હાજરી આપશે. આ વૈશ્વિક સંમેલનમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વા અને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની સહિત વિશ્વના ટોચના નેતાઓ આવી રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થવાની પ્રબળ શક્યતા છે, જેના પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે.
મનાલીમાં ભારતીય સમુદાય સાથે સંવાદ કરવા ઉત્સુક
આ મુલાકાત દરમિયાન પીએમ મોદી 23મી આસિયાન-ભારત સમિટ અને 21મી પૂર્વ એશિયા સમિટમાં ભાગ લેશે. આ ઉપરાંત, તેઓ અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના નેતાઓ સાથે 'ક્વાડ' (QUAD) લીડર્સ સમિટમાં પણ જોડાશે અને અનેક દ્વિપક્ષીય બેઠકો કરશે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, ભારત આસિયાન દેશો સાથેની ગાઢ મિત્રતાને ખૂબ મહત્વ આપે છે અને તેઓ મનીલામાં ભારતીય સમુદાય સાથે સંવાદ કરવા માટે પણ ઉત્સુક છે.
સમિટનો મુખ્ય એજન્ડા
સમિટના મુખ્ય એજન્ડા વિશે વાત કરતા, વિદેશ મંત્રાલયના સચિવ (પૂર્વ) રુદ્રેન્દ્ર ટંડને જણાવ્યું હતું કે દરિયાઈ સંરક્ષણ મિકેનિઝમને મજબૂત બનાવવું અને વ્યાપારી ભાગીદારીને પ્રોત્સાહન આપવું એ ચર્ચાના કેન્દ્રમાં રહેશે. ભારતની 'એક્ટ ઈસ્ટ' નીતિ અને ઈન્ડો-પેસિફિક વિઝન માટે 11 દેશોનું આ સંગઠન અત્યંત મહત્વનું છે. હાલમાં ભારત અને આસિયાન દેશો વચ્ચે વાર્ષિક વેપાર આશરે $122 બિલિયન સુધી પહોંચી ગયો છે, જેને વધુ વેગ આપવાનો પ્રયાસ થશે.
બંને દેશો વચ્ચે સહયોગના દ્વાર ખુલ્યા
આસિયાનમાં ભારતના રાજદૂત શ્રીનિવાસ ગોત્રુએ જણાવ્યું હતું કે, $4 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા ધરાવતું દક્ષિણપૂર્વ એશિયા વૈશ્વિક સપ્લાય ચેઈન માટે મહત્વપૂર્ણ છે. હવે બંને પક્ષો વચ્ચે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), ડિજિટલ ઈકોનોમી, વિજ્ઞાન અને સંરક્ષણ ક્ષેત્રે સહયોગના નવા દ્વાર ખુલી રહ્યા છે.
અનેક મુદ્દાઓ પર થઇ શકે છે ચર્ચા
દક્ષિણ ચીન સમુદ્રના વિવાદ અંગે ભારતે સ્પષ્ટ કર્યું છે કે ભારત તેમાં પક્ષકાર નથી, પરંતુ મલક્કા સ્ટ્રેટમાંથી પસાર થતા મહત્વના વ્યાપારી માર્ગ પર નેવિગેશનની સ્વતંત્રતા જળવાઈ રહે તે જરૂરી છે. ચીન અને આસિયાન વચ્ચે બનનારી આચારસંહિતા આંતરરાષ્ટ્રીય કાયદાને અનુરૂપ હોવી જોઈએ. આ ઉપરાંત, સમિટમાં મ્યાનમારના સંઘર્ષ અને પ્રાદેશિક શાંતિ જેવા ગંભીર મુદ્દાઓ પર પણ વિશ્વ નેતાઓ વચ્ચે ઊંડાણપૂર્વક મંથન કરવામાં આવશે.
આ પણ વાંચોઃAfghanistan Earthquake: વહેલી સવારે 5.1ની તીવ્રતાનો ભૂકંપ,સદનસીબે કોઈ જાનહાનિ નહીં