ભારતમાં હાલમાં ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલના ઉપયોગને લઈને ભારે ચર્ચા અને વિવાદ ચાલી રહ્યો છે. સરકારે ઇંધણના વપરાશમાં ઘટાડો કરવા અને પર્યાવરણને અનુકૂળ રહેવા માટે પેટ્રોલ સાથે 20% ઇથેનોલનું મિશ્રણ (E20) ફરજિયાત કર્યું છે. જોકે, આ પગલાં સામે દેશભરમાંથી વિરોધના સૂર પણ ઉઠી રહ્યા છે. વાહન માલિકોનો આરોપ છે કે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલને કારણે તેમના વાહનોના એન્જિનને નુકસાન થઈ રહ્યું છે અને માઇલેજમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
સરકારની આગળની યોજનાઓ અને લોકોની ચિંતા
વર્તમાન સ્થિતિમાં, સરકાર E25 અને E30 ઇંધણના પરીક્ષણો કરી રહી છે, સાથે જ E85 અને E100 ઇંધણને મંજૂરી આપવા માટે મોટર વાહન નિયમોમાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. લોકોમાં એવી ભીતિ છે કે જો E20 ઇંધણથી વાહનો પર અસર પડતી હોય, તો E25, E30, E85 કે E100 જેવા ઉચ્ચ મિશ્રણ વાહનોના એન્જિન માટે વધુ જોખમી સાબિત થઈ શકે છે. ઘણા લોકો માંગ કરી રહ્યા છે કે સામાન્ય પેટ્રોલનો વિકલ્પ પણ ઉપલબ્ધ હોવો જોઈએ, પરંતુ હાલમાં તમામ પેટ્રોલ પંપ પર માત્ર E20 ઇંધણ જ મળે છે.
બ્રાઝિલનું સફળ મોડેલ: એક ઉદાહરણ
આ વિવાદ વચ્ચે બ્રાઝિલનું નામ અવારનવાર લેવામાં આવી રહ્યું છે, કારણ કે ત્યાં દાયકાઓથી ઉચ્ચ ઇથેનોલ મિશ્રિત ઇંધણનો સફળતાપૂર્વક ઉપયોગ થઈ રહ્યો છે. ઓટોમોબાઇલ નિષ્ણાત વિક્રમ ગૌરના જણાવ્યા અનુસાર, બ્રાઝિલે આ ઇંધણને અચાનક અપનાવવાને બદલે વર્ષોની મહેનતથી સિસ્ટમ વિકસાવી છે. ૧૯૭૦ના દાયકાથી જ બ્રાઝિલે શેરડીના ઉત્પાદનને ઇંધણના મોટા સ્ત્રોત તરીકે વિકસાવવાનું શરૂ કર્યું હતું.
સૌથી મોટી તાકાત તેની કાર્યક્ષમતા
બ્રાઝિલની આ સિસ્ટમની સૌથી મોટી તાકાત તેની કાર્યક્ષમતા છે. ત્યાંની પ્રોસેસિંગ મિલો શેરડીના અવશેષો (બેગાસી) નો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવા માટે કરે છે, જે એક 'સ્વ-ટકાઉ' ચક્ર બનાવે છે. આ પ્રક્રિયાથી ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ૬૦% થી વધુનો ઘટાડો થયો છે. ખાસ કરીને ૨૦૦૩માં 'ફ્લેક્સ-ફ્યુઅલ' એન્જિનની રજૂઆત પછી, ડ્રાઇવરોને કોઈપણ પંપ પર ઇથેનોલ કે ગેસોલિનમાંથી પસંદગી કરવાની સ્વતંત્રતા મળી. આમ, આ ગ્રીન ટ્રાન્સફોર્મેશનથી બ્રાઝિલ તેની અર્થવ્યવસ્થાને મજબૂત કરી શક્યું અને વૈશ્વિક તેલ સંકટથી પોતાની જાતને સુરક્ષિત રાખવામાં સફળ રહ્યું છે.
આ પણ વાંચોઃ Amarnath yatra : જમ્મુ-શ્રીનગર હાઈવે પર કાર દિવાલ સાથે અથડાતાં 5 યાત્રાળુઓ થયા ઘાયલ