ભારતની ચીનમાં નિકાસ ઝડપથી વધી રહી છે. ચીન હવે ભારતમાંથી પહેલા કરતાં વધુ ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનોની આયાત કરી રહ્યું છે, કારણ કે AI અને ડેટા સેન્ટરોએ ઉચ્ચ કક્ષાના ઉત્પાદનોની માંગમાં વધારો કર્યો છે.
ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં મોટો બદલાવ
ભારત અને ચીન વચ્ચેના વેપારિક સંબંધોમાં એક મોટો અને અણધાર્યો બદલાવ જોવા મળી રહ્યો છે. વૈશ્વિક સ્તરે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડેટા સેન્ટર્સનો વ્યાપ અત્યંત ઝડપથી વધી રહ્યો છે, જેના કારણે ચીન દ્વારા ભારતમાંથી થતી ઇલેક્ટ્રોનિક્સ અને ટેકનિકલ ઉત્પાદનોની આયાતમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. બ્લૂમબર્ગના એક અહેવાલ મુજબ, ઓગસ્ટ સુધીના પાંચ મહિનામાં ચીનને થતી ભારતીય નિકાસમાં આશરે ૪૦ ટકાનો મોટો વધારો નોંધાયો છે.
AI અને ડેટા સેન્ટરની જરૂરિયાતો
આ આશ્ચર્યજનક વધારા પાછળનું મુખ્ય કારણ AI અને ડેટા સેન્ટરની જરૂરિયાતો છે. ચીનમાં અત્યારે હાઇ-ટેક અને ઉચ્ચ કક્ષાના ઉપકરણોની ભારે માંગ છે. ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, ચીની સપ્લાયર્સ આ વધતી માંગને પહોંચી વળવા સક્ષમ ન હોવાથી, તેઓ ભારત તરફ વળ્યા છે. નાણાકીય વર્ષ દરમિયાન ભારતીય ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનોની નિકાસ વધીને ૩.૧૮ બિલિયન ડૉલર સુધી પહોંચી ગઈ છે, જેમાં સ્માર્ટફોન, પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ, ડિસ્પ્લે મોડ્યુલ અને ટેલિકોમ પ્રોડક્ટ્સનો મોટો ફાળો છે.
ભારતનો દબદબો
ટેકનોલોજી ઉપરાંત એન્જિનિયરિંગ ક્ષેત્રે પણ વેપાર વેગ પકડી રહ્યો છે. મશીનરી, ઓટોમોટિવ પાર્ટ્સ અને હેન્ડ ટૂલ્સની નિકાસમાં પણ ૨૧ ટકાનો વધારો થયો છે. નિષ્ણાતોના મતે, આ વલણ દર્શાવે છે કે વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભારત એક વિશ્વસનીય અને સ્પર્ધાત્મક ઉત્પાદન કેન્દ્ર તરીકે પોતાની ઓળખ બનાવી રહ્યું છે. ભૂરાજકીય તણાવ અને બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓ વચ્ચે ચીનનું ભારતીય નિકાસ માટે પોતાના દરવાજા ખોલવું એ ભારત માટે એક સકારાત્મક સંકેત છે.
ભારતની કુલ નિકાસનો નાનો હિસ્સો ચીન
જોકે, વાસ્તવિકતા એ પણ છે કે ચીન હજુ પણ ભારતની કુલ નિકાસનો ખૂબ જ નાનો હિસ્સો છે. ભારત પોતાની કુલ જરૂરિયાતો માટે ચીન પાસેથી અબજો ડૉલરનો માલ આયાત કરે છે, જેની સરખામણીમાં નિકાસનું પ્રમાણ ઘણું ઓછું છે. છતાં, આ શરૂઆત ભારતીય મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે વૈશ્વિક બજારમાં એક મોટું પગલું સાબિત થઈ રહી છે.
આ પણ વાંચોઃ Unique Temple: દુનિયાનું એક અનોખું મંદિર જ્યાં પૂજા નહીં પણ થાય છે ફોટોશૂટ, પ્રવાસીઓની ભરમાર