અમેરિકા અને ભારત વચ્ચે ટેરિફ વોરને લઇને માહોલ અત્યારે ગંભીર છે. એક તરફ ટ્રમ્પ પીછેહઠ કરવા તૈયાર નથી તો બીજી તરફ પીએમ મોદી પણ ટ્રમ્પના કમરતોડ ટેરિફને પગલે પીછેહઠ ન કરવા મક્કમ છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે સંબંધો ખાસ કરીને પીએમ મોદીને લઇને વધુ એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અત્યારે બંને દેશો વચ્ચે ભલે તણાવ છે. પરંતુ પીએમ મોદી અને હું મિત્રો રહીશું.


પીએમ મોદી મહાન છે- ડોનાલ્ડ ટ્રમ્પ 

ટ્રમ્પે આગળ લખ્યું કે તેઓ મહાન પીએમ છે. તેઓ ગ્રેટ છે. પરંતુ હાલ તેઓ જે કરી રહ્યા છે તે મને પસંદ નથી. પરંતુ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ ખાસ છે. આ અંગે ચિંતા કરવાની કોઈ વાત નથી કારણ કે બંને દેશો વચ્ચે આવી ક્ષણો ક્યારેક આવે છે. ડોનાલ્ડ ટ્રમ્પને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ ભારત સાથે ફરીથી સંબંધો સુધારવા માટે તૈયાર છે? તેના જવાબમાં તેઓએ આ જવાબ આપ્યો હતો.ઉલ્લેખનીય છે કે ટેરિફને કારણે બંને દેશો વચ્ચેના સંબંધો છેલ્લા બે દાયકામાં સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે.

હું ભારતથી નિરાશ છું કારણ કે...

આ સાથે ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ કહ્યું કે તેઓ ખૂબ જ નિરાશ છે કે ભારત રશિયા પાસેથી ઘણું તેલ ખરીદી રહ્યું છે. અમે ભારત પર ઘણો ટેરિફ લાદ્યો છે, પચાસ ટકા ટેરિફ. મારા પીએમ મોદી સાથે સારા સંબંધો છે. તેઓ મહાન છે. તેઓ થોડા મહિના પહેલા અહીં આવ્યા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ભારત અને અન્ય દેશો સાથે વેપાર વાટાઘાટો કેવી રીતે ચાલી રહી છે, ત્યારે ટ્રમ્પે કહ્યું કે સારી રીતે ચાલી રહ્યું છે. અમે યુરોપિયન યુનિયનથી ખૂબ નિરાશ છીએ.


ટ્રમ્પ ચીન, રશિયા અને ઇન્ડિયાને સાથે જોઇને ભડક્યા

ટ્રમ્પે અગાઉ કહ્યું હતું કે અમને લાગે છે કે અમે ભારત અને રશિયાને ચીન સામે ગુમાવી દીધા છે. આ સાથે, ટ્રમ્પે મોદી, પુતિન અને શી જિનપિંગની તસવીર પણ પોસ્ટ કરી હતી. ટ્રમ્પના વરિષ્ઠ સલાહકાર પીટર નવારોએ પણ ભારત પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદીને મોટો નફો કરી રહ્યું છે. ભારત સત્યને પચાવી શકતું નથી. મને લાગે છે કે વેપાર ટીમ અને રાષ્ટ્રપતિ નિરાશ છે કે ભારત યુક્રેન સામેના યુદ્ધમાં રશિયાને સતત ભંડોળ આપી રહ્યું છે.


  • Follow us on: