ભારતીય સંરક્ષણ ક્ષેત્રે હાલમાં એક મોટા સમાચાર ગુંજી રહ્યા છે. તાજેતરમાં હાથ ધરવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર'માં આતંકવાદી ઠેકાણાઓ પર સફળ પ્રહારો કર્યા બાદ, હવે ભારત પોતાની હુમલો કરવાની ક્ષમતાને નવી ઊંચાઈએ લઈ જવાની તૈયારી કરી રહ્યું છે. અહેવાલો અનુસાર, ઇઝરાયેલ ભારતને તેની અત્યંત અત્યાધુનિક અને ઘાતક 'ગોલ્ડન હોરાઇઝન' (Golden Horizon) ALBM ઓફર કરી રહ્યું છે. આ સમાચાર માત્રથી પાકિસ્તાનના લશ્કરી વર્તુળોમાં ચિંતાની લહેર પ્રસરી ગઈ છે.

શું છે ગોલ્ડન હોરાઇઝન મિસાઇલ?

ગોલ્ડન હોરાઇઝન એ હવામાંથી છોડવામાં આવતી બેલેસ્ટિક મિસાઇલ (ALBM) છે. સામાન્ય રીતે બેલેસ્ટિક મિસાઇલો જમીન પરથી છોડવામાં આવતી હોય છે, પરંતુ આ મિસાઇલ ફાઇટર જેટ્સ દ્વારા ઊંચાઈ પરથી છોડી શકાય છે. તેની સૌથી મોટી વિશેષતા તેની ગતિ અને ચોકસાઈ છે. તે સુપરસોનિક ગતિએ દુશ્મન તરફ ધસી જાય છે, જેના કારણે કોઈપણ રડાર સિસ્ટમ માટે તેને પકડવી અથવા હવામાં તોડી પાડવી લગભગ અશક્ય બની જાય છે.

ટેકનિકલ વિશેષતાઓ અને મારક ક્ષમતા

ભારતીય સંરક્ષણ સંશોધન વિંગ (IDRW) ના અહેવાલ મુજબ, આ મિસાઇલની રેન્જ ૧૫૦૦ થી ૨૦૦૦ કિલોમીટર જેટલી હોઈ શકે છે. આનો અર્થ એ થયો કે ભારતીય વાયુસેનાના વિમાનોએ દુશ્મનની સરહદમાં પ્રવેશવાની જરૂર પણ નહીં પડે; ભારતીય આકાશમાં રહીને જ તેઓ પાકિસ્તાનના કોઈપણ શહેરને નિશાન બનાવી શકશે. તેને ભારતીય વાયુસેનાના અગ્રેસર ફાઇટર જેટ Su-30MKI (સુખોઈ) અને મિરાજ-2000 પર તૈનાત કરવામાં આવી શકે છે.સૌથી ભયાનક પાસું એ છે કે આ મિસાઇલ પરમાણુ હથિયારો લઈ જવા માટે પણ સક્ષમ હોઈ શકે છે, જે તેને વ્યૂહાત્મક રીતે અત્યંત શક્તિશાળી બનાવે છે.

પાકિસ્તાન માટે ચિંતાનું કારણ

ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે બતાવી દીધું છે કે તે સરહદ પાર જઈને દુશ્મનોનો સફાયો કરવામાં જરાય ખચકાશે નહીં. ગોલ્ડન હોરાઇઝન મિસાઇલ આવ્યા પછી, ઇસ્લામાબાદ અને કરાચી જેવા મુખ્ય શહેરો સીધા જ ભારતના નિશાન હેઠળ આવી જશે. જો ભવિષ્યમાં યુદ્ધની સ્થિતિ સર્જાય, તો માત્ર એક બટન દબાવતાની સાથે જ આ મિસાઇલ પાકિસ્તાની સૈન્ય મથકો કે વ્યૂહાત્મક કેન્દ્રોનો નાશ કરી શકે છે. તેની રફ્તાર એટલી ઝડપી છે કે દુશ્મનને વળતો પ્રહાર કરવાનો વિચારવાનો પણ સમય નહીં મળે.





  • Follow us on: