પાકિસ્તાન દ્વારા એક અત્યંત ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. પાકિસ્તાનનું કહેવું છે કે મે 2025માં ભારત સાથે થયેલા યુદ્ધ દરમિયાન ઈરાને ઈસ્લામાબાદને "મજબૂત ટેકો" આપ્યો હતો. પાકિસ્તાનનો આ દાવો ઈરાનના સત્તાવાર વલણથી એકદમ વિપરિત છે, કારણ કે ભૂતકાળમાં સંઘર્ષ દરમિયાન ઈરાને પોતાને એક "તટસ્થ" દેશ તરીકે રજૂ કર્યો હતો અને બંને પડોશી દેશોને સંયમ રાખવા તેમજ તણાવ ઓછો કરવા માટે અપીલ કરી હતી. તેમ છતાં, પાકિસ્તાને હવે જાહેરમાં સ્વીકાર્યું છે કે આ સંકટના સમયમાં ઈરાન તરફથી તેમને ભરપૂર સહયોગ મળ્યો હતો.
ભારત સામેના યુદ્ધમાં ઇરાને કર્યો હતો ટેકો
આ બાબતનો ખુલાસો પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન ઈશાક ડારે કર્યો છે. તેમણે પાકિસ્તાન-ઈરાન સંબંધોની સ્થિતિ અંગે રાષ્ટ્રીય સભાને આપેલા એક લેખિત જવાબમાં આ વાત કહી છે. ઈશાક ડારે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયમાં બંને દેશોના સંબંધોમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે જૂન 2025માં થયેલા સંઘર્ષ દરમિયાન પાકિસ્તાને ઈરાનને મજબૂત રાજદ્વારી અને રાજકીય ટેકો પૂરો પાડ્યો હતો, અને બદલામાં મે 2025ના ભારત સાથેના સંઘર્ષ વખતે ઈરાને પણ પાકિસ્તાનને મજબૂત ટેકો આપ્યો હતો.
