વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેશેલ્સની સંસદને સંબોધિત કરતાં ભારત અને સેશેલ્સ વચ્ચેના પાંચ દાયકાથી વધુ સમયથી ચાલી રહેલા મજબૂત અને વિશ્વાસભર્યા સંબંધોને વધુ ગાઢ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે સંસદમાં સંબોધન કરવાની તક મળવી પોતાના માટે ગૌરવની બાબત ગણાવી અને સેશેલ્સ સરકાર તેમજ ત્યાંના નાગરિકોનો સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
https://twitter.com/narendramodi/status/2071182793141637624
સેશેલ્સ માટે ભારતના લોકોના દિલમાં વિશેષ સ્થાન
વડાપ્રધાને જણાવ્યું કે ભારત અને સેશેલ્સ વચ્ચે છેલ્લા 50 વર્ષથી મૈત્રીપૂર્ણ સંબંધો રહ્યા છે, જે પરસ્પર વિશ્વાસ, સહકાર અને વિકાસના મજબૂત પાયા પર આધારિત છે. તેમણે કહ્યું કે સેશેલ્સ માટે ભારતના લોકોના દિલમાં વિશેષ સ્થાન છે અને બંને દેશો વચ્ચેનો સંબંધ માત્ર રાજદ્વારી જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને માનવીય મૂલ્યો સાથે પણ જોડાયેલો છે.
ભારત સેશેલ્સને આરોગ્ય ક્ષેત્રે વધુ સહકાર આપશે
તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે ભારત સેશેલ્સને આરોગ્ય ક્ષેત્રે વધુ સહકાર આપશે અને સસ્તી તેમજ ગુણવત્તાયુક્ત દવાઓ ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે. આ પહેલ બંને દેશો વચ્ચેના આરોગ્ય સહકારને વધુ મજબૂત બનાવશે. વડાપ્રધાને હિંદ મહાસાગરને બંને દેશોનું 'સંયુક્ત ઘર' ગણાવ્યું અને કહ્યું કે આ વિસ્તારની સુરક્ષા, સ્થિરતા અને સમૃદ્ધિ માટે ભારત અને સેશેલ્સ મહત્વના ભાગીદાર છે. તેમણે સમુદ્રી સુરક્ષા, બ્લૂ ઈકોનોમી, વેપાર, ક્ષમતા વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં સહકાર વધારવા પર પણ ભાર મૂક્યો.
વડાપ્રધાન મોદીના આ સંબોધનથી ભારત અને સેશેલ્સ વચ્ચેના ઐતિહાસિક સંબંધોને નવી દિશા મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. બંને દેશો ભવિષ્યમાં વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારી હિંદ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ અને વિકાસ માટે સાથે મળીને કાર્ય કરશે તેવી પણ તેમણે આશા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો : PM Modi in Seychelles: PM મોદીને અપાયું ગાર્ડ ઓફ ઓનર, સેશેલ્સ રાષ્ટ્રપતિ સાથે કરી દ્વિપક્ષીય વાતચીત