વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે સેશેલ્સ પહોંચ્યા છે, જ્યાં તેઓ નેશનલ ડેના સ્વર્ણ જ્યંતી સમારોહ સહિત અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. મુલાકાત દરમિયાન શનિવારે તેમણે સેશેલ્સ નેશનલ બોટનિકલ ગાર્ડનની મુલાકાત લીધી.


આ કાચબાઓ સેશેલ્સના મૂળ નિવાસી

અહીં તેમણે દુનિયાની સૌથી મોટી અને લાંબા સમય સુધી જીવતી કાચબાની પ્રજાતિ અલ્ડાબ્રા જાયન્ટ ટોર્ટોઈઝનું નિરીક્ષણ કર્યું. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે આ પ્રજાતિના કેટલાક કાચબાઓએ બે સદીથી વધુ સમય જીવ્યો છે. આ કાચબાઓ સેશેલ્સના મૂળ નિવાસી છે અને દેશની વિશેષ ઓળખ માનવામાં આવે છે.

PMએ વૃક્ષારોપણ કર્યું

વડાપ્રધાન મોદીએ સેશેલ્સના રાષ્ટ્રપતિ ડૉ. પેટ્રિક હર્મિની સાથે મળીને બોટનિકલ ગાર્ડનમાં સંયુક્ત વૃક્ષારોપણ પણ કર્યું. તેમણે ખાસ 'કોકો ડી મેર' નામના વૃક્ષનું રોપણ કર્યું, જે સેશેલ્સની ઓળખ છે અને દેશના કોટ ઓફ આર્મ્સમાં પણ સ્થાન ધરાવે છે. આ વૃક્ષ તેના વિશાળ બીજ અને ભારે ફળો માટે વિશ્વપ્રસિદ્ધ છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી દુનિયાના સૌથી વૃદ્ધ જીવિત સ્થલચર જીવ 'જોનાથન'ને પણ મળ્યા, જે અલ્ડાબ્રા જાયન્ટ ટોર્ટોઇઝ છે અને તેની ઉંમર અંદાજે 194 વર્ષ માનવામાં આવે છે.

બંને દેશોના સંબંધો વધુ મજબૂત બનશે

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે ભારત અને સેશેલ્સ જૈવવિવિધતા સંરક્ષણ, પર્યાવરણ સુરક્ષા અને આવનારી પેઢીઓ માટે હરિત અને સ્વસ્થ પૃથ્વી બનાવવાના સંકલ્પ સાથે જોડાયેલા છે. આ મુલાકાતને બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવતી મહત્વપૂર્ણ કડી તરીકે જોવામાં આવી રહી છે, જેમાં સમુદ્રી સહયોગ, પર્યાવરણ અને સંસ્કૃતિ સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની શક્યતા છે.

આ પણ વાંચો : PM Modi In Seychelles : વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિનીએ બોટાનિકલ ગાર્ડનમાં કર્યું વૃક્ષારોપણ


  • Follow us on: