પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે ઇન્ડોનેશિયાની સંસદમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે ભારતની વિદેશ નીતિ અને લોકશાહી મૂલ્યો વિશે સ્પષ્ટ વાત રજૂ કરતા કહ્યું કે, "ભારત વિસ્તરણવાદ ની નહીં, પરંતુ વિકાસ અને સર્વસમાવેશી પ્રગતિની નીતિનું પાલન કરે છે." પીએમ મોદીનું આ નિવેદન આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની શાંતિપ્રિય અને વિકાસલક્ષી છબીને વધુ મજબૂત બનાવે છે.

ઇન્ડોનેશિયાની સંસદમાં સંબોધન કરતા પીએમ થયા ભાવુક

ઇન્ડોનેશિયાની સંસદમાં પોતાના સંબોધનની શરૂઆત કરતા પીએમ મોદી ખૂબ જ ભાવુક જણાયા હતા. તેમણે ઈન્ડોનેશિયાની જનતા દ્વારા આપવામાં આવેલા ઉષ્માભર્યા સ્વાગતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ દિવસ તેમના જીવનના સૌથી યાદગાર દિવસોમાંનો એક છે. 1.4 અબજ ભારતીયોના પ્રતિનિધિ તરીકે ત્યાં હાજર રહેવું એ તેમના માટે ગર્વ અને સૌભાગ્યની વાત છે. તેમણે ઉમેર્યું, "આજે સવારે ઇન્ડોનેશિયાના લોકો, યુવાનો અને માતાઓએ મારા પર જે સ્નેહ અને પ્રેમ વરસાવ્યો છે, તે ઉષ્મા હું ક્યારેય ભૂલી શકીશ નહીં. આ સ્વાગત માત્ર મારું નથી, પરંતુ ભારતના ૧.૪ અબજ લોકોનું છે."

બંને દેશો સમાન લોકશાહી મૂલ્યો

પીએમ મોદીએ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના સાંસ્કૃતિક અને લોકશાહી સંબંધો પર પ્રકાશ પાડતા કહ્યું કે, ભારત 'લોકશાહીની માતા' (Mother of Democracy) છે અને બંને દેશો સમાન લોકશાહી મૂલ્યોને વરેલા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ૨૧મી સદીમાં વિશ્વના વિકાસ માટે ભારત અને ઇન્ડોનેશિયા જેવી મોટી લોકશાહીઓનું સાથે મળીને ચાલવું અનિવાર્ય છે. ભારતની વિકાસની નીતિ પાડોશી દેશો અને સમગ્ર વિશ્વ સાથે મળીને આગળ વધવાની છે, જે શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ મોકળો કરે છે.

બંને દેશોની ભાગીદારી નવી ઉંચાઇએ પહોચશે

આ સંબોધન દ્વારા પીએમ મોદીએ એ સંદેશ આપ્યો કે ભારત પોતાની તાકાતનો ઉપયોગ અન્ય દેશો પર પ્રભુત્વ જમાવવા માટે નહીં, પરંતુ સંયુક્ત આર્થિક વિકાસ અને માનવ કલ્યાણ માટે કરવા માંગે છે. પીએમ મોદીનો આ પ્રવાસ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં નવી ઊર્જા લાવશે અને બંને દેશોની ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જશે તેવું નિષ્ણાતો માની રહ્યા છે. આખા સંસદ ભવનમાં પીએમ મોદીના સંબોધનને ખૂબ જ આદર અને ધ્યાનપૂર્વક સાંભળવામાં આવ્યું હતું, જે બંને દેશો વચ્ચેના અતૂટ બંધનને દર્શાવે છે.

આ પણ વાંચોઃ Pune Murder Case: સિયા અને ચેતનના 'ગુપ્ત લગ્ન'નો ચોંકાવનારો ખુલાસો, વોટ્સએપ ચેટ બન્યા પુરાવા