ઇન્ડોનેશિયન નૌકાદળે એક મોટા દરિયાઈ ઓપરેશન દરમિયાન ચીનથી બાંગ્લાદેશ જઈ રહેલા 'MV સ્ટાર લાઇન' નામના જહાજમાંથી 405 ટન ખતરનાક રસાયણ 'સોડિયમ પરક્લોરેટ' જપ્ત કર્યું છે. 7 નવેમ્બરના રોજ બનેલી આ ઘટના અંગે ઇન્ડોનેશિયાના બેલાવાન ખાતે નેવલ રિજનલ કમાન્ડ I ના વડા રીઅર એડમિરલ ડેની સેપ્ટિયાનાએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી. 

બાંગ્લાદેશ કેમ લઇ જવાઇ રહ્યો હતો જથ્થો?

મળતી માહિતી પ્રમાણે જપ્ત કરાયેલો આ વિશાળ જથ્થો આશરે 100 મિસાઇલો બનાવવા માટે પૂરતો હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક ગંભીર સવાલો ઊભા થયા છે કે આ માલનો અસલી માલિક કોણ છે અને બાંગ્લાદેશમાં કોણે તેને મેળવવાનો હતો.

શંકાસ્પદ હિલચાલ અને તપાસ

અહેવાલો મુજબ, આ જહાજ 8 નવેમ્બરના રોજ મોંગલા પહોંચવાનું હતું, પરંતુ નિર્ધારિત સ્ટોપ ન હોવા છતાં ઇન્ડોનેશિયન જળસીમાના બેલાવાન નજીક ઇંધણ ભરવા (રિફ્યુઅલિંગ) માટે રોકાયું હતું. પેટ્રોલિંગ કરી રહેલા ઇન્ડોનેશિયન નૌકાદળના જહાજ KRI સિગાલુ-857 ના કર્મચારીઓને જહાજની ગતિવિધિ શંકાસ્પદ લાગી હતી. રેડિયો સંદેશાઓનો કોઈ જવાબ ન મળતા જહાજને રોકવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન કાર્ગોની માહિતી અને દસ્તાવેજોમાં મોટી વિસંગતતા જોવા મળી, તેમજ જહાજ નોંધણી વગરનું હોવાનું અને તેના કાગળો બનાવટી હોવાની પ્રબળ શંકા સેવાઈ રહી છે. CoArmada I ના આદેશ બાદ હાથ ધરાયેલી સંપૂર્ણ તપાસમાં જહાજના કુલ 36 કન્ટેનરમાંથી 15 કન્ટેનરમાં 405 ટન સોડિયમ પરક્લોરેટ મળી આવ્યું હતું.
https://x.com/sagor250/status/2124584224623940018?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2124584224623940018%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

સોડિયમ પરક્લોરેટ શું છે?

સોડિયમ પરક્લોરેટ ($NaClO_4$)એક અત્યંત શક્તિશાળી અને વિશિષ્ટ રસાયણ છે, જેનો ઉપયોગ મોટા ઔદ્યોગિક એકમો, પ્રયોગશાળાઓ તેમજ રોકેટ ઇંધણ, બોમ્બ અને ફટાકડા બનાવવામાં થાય છે. આ રસાયણ પોતે સીધું વિસ્ફોટક કે બળતું પદાર્થ નથી, પરંતુ તે ખૂબ જ ઝડપથી આગ ભડકાવવાની ક્ષમતા ધરાવે છે. મોટા જથ્થામાં તેના સંગ્રહ અને પરિવહન દરમિયાન અત્યંત સાવચેતી જરૂરી છે, કારણ કે તે ગંભીર આગ અને વિસ્ફોટનું જોખમ ઊભું કરી શકે છે. આ ઘટનાએ દરિયાઈ સુરક્ષા અને શંકાસ્પદ કાર્ગોની હેરાફેરી પર ફરી એકવાર ચિંતા વ્યક્ત કરી છે.

આ પણ વાંચોઃ Newyork ના રસ્તા પર લોકો કેમ બનીને ફરી રહ્યા છે ચીની 'જાસૂસ', જેન્સન હુઆંગ વિવાદનું શું છે કનેક્શન?