અમેરિકા અને ઈઝરાયેલના હવાઈ હુમલામાં માર્યા ગયેલા ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર અલી ખામનેઈની અંતિમયાત્રાને લઈને ઈરાન સરકાર અત્યારથી જ ભારે ચિંતામાં મુકાઈ ગઈ છે. જર્મનીના પ્રખ્યાત અખબાર 'ડાઈ વેલ્ટ' (Die Welt)ના એક ચોંકાવનારા અહેવાલ મુજબ, ખામનેઈની અંતિમ વિદાય દરમિયાન અતિશય ભીડ, આકરી ગરમી અને ભગદડ જેવી દુર્ઘટનાઓને કારણે 1,500 થી 3,000 લોકોના મોત થવાની આશંકા ખુદ ઈરાની સત્તાવાળાઓએ વ્યક્ત કરી છે. આ જ ગંભીર સંભાવનાને ધ્યાનમાં રાખીને સરકારે અત્યારથી જ યુદ્ધના ધોરણે કટોકટીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
હજારો નવી કબરો અગાઉથી જ તૈયાર કરી
રિપોર્ટમાં દાવો કરાયો છે કે ઈરાનની રેડ ક્રેસન્ટ અને નેશનલ ક્રાઈસિસ મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશને ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ રઝા આરિફને એક ગુપ્ત પત્ર મોકલીને આ સંભવિત જોખમ અંગે ચેતવણી આપી છે. સરકારના અંદાજ મુજબ, માત્ર રાજધાની તેહરાનમાં જ અંતિમયાત્રા દરમિયાન લગભગ 2 કરોડ લોકો ઉમટી પડી શકે છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તેહરાન પ્રશાસને મૃતકો અને ગુમ થયેલા લોકો માટે ખાસ અલગ યુનિટની રચના કરી છે. એટલું જ નહીં, તેહરાનના પ્રખ્યાત બેહેશ્ત-એ-ઝહરા કબ્રસ્તાનમાં હજારો નવી કબરો અગાઉથી જ તૈયાર કરી દેવામાં આવી છે.
ભૂતકાળમાં થયેલા અકસ્માતો
ઈરાન આ વખતે વધારાની તકેદારી રાખી રહ્યું છે કારણ કે ભૂતકાળમાં પણ આવા મોટા જનાજામાં મોટી દુર્ઘટનાઓ ઘટી ચૂકી છે. વર્ષ 2020માં આઈઆરજીસી (IRGC) કમાન્ડર કાસિમ સુલેમાનીના જનાજામાં થયેલી ભગદડમાં 56 લોકોના મોત થયા હતા. જ્યારે 1989માં આયતુલ્લા રુહોલ્લાહ ખામનેઈના જનાજામાં 8 લોકોના મોત અને 11 હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા.
સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કસર નહીં
અલી ખામનેઈનો પાર્થિવ દેહ તેહરાન, કોમ અને ઈરાકના નજફ તેમજ કરબલા જેવા શિયા ધર્મના પવિત્ર સ્થળોએ ફેરવવામાં આવશે. આગામી 9 જુલાઈએ તેમને મશહદ શહેરમાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે. માત્ર તેહરાનમાં જ ત્રણ દિવસના આ કાર્યક્રમ પાછળ આશરે 1,7 કરોડ ડોલર (રૂપિયા 140 કરોડથી વધુ) નો ખર્ચ થવાનો અંદાજ છે. ભીડને નિયંત્રિત કરવા માટે 24 કલાક મફત મેટ્રો અને બસ સેવાઓ શરૂ કરવામાં આવી છે અને બહારથી આવતા લોકો માટે શાળાઓ-મસ્જિદોમાં રહેવાની વ્યવસ્થા કરાઈ છે.
સરકારને માત્ર ભીડની જ નહીં પરંતુ આંતરિક રાજકીય તણાવની પણ ચિંતા છે, કારણ કે કેટલાક કટ્ટરપંથી જૂથો અમેરિકા સાથે થયેલા તાજેતરના શાંતિ કરારનો વિરોધ કરી રહ્યા છે. આથી, સુરક્ષા વ્યવસ્થામાં ઈરાન કોઈ કસર છોડવા માંગતું નથી.
આ પણ વાંચો:Americaના 250મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ પાઠવી શુભેચ્છા, ડોનાલ્ડ ટ્રમ્પને આપ્યો આ ખાસ સંદેશ