મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ઈરાને અમેરિકાને બે દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ જણાવ્યું છે કે જો અમેરિકા તમામ મોરચે યુદ્ધના અંત માટેની તેમની શરતો સ્વીકારે છે, તો તેઓ 48 કલાકની અંદર હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલી દેશે. જોકે, તેમણે ચેતવણી આપી હતી કે જો અમેરિકા આ શરતો પૂરી કરવામાં નિષ્ફળ જશે, તો ઈરાની સેના મોટો હુમલાત્મક નિર્ણય લેશે.

ટ્વીટર પર પોસ્ટ કરીને નિર્ણય સંભળાવ્યો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને અરાઘચીએ જણાવ્યું હતું કે, અમેરિકન મતદારોએ મધ્યસત્ર ચૂંટણીમાં પોતાનો ચોક્કસ નિર્ણય સંભળાવી દીધો છે, હવે વ્હાઇટ હાઉસે રાજદ્વારી માર્ગ પસંદ કરવો કે લશ્કરી કાર્યવાહીનો સામનો કરવો તે નક્કી કરવાનું છે. તેમણે દાવો કર્યો હતો કે ઈરાની સેનાએ પોતાના શસ્ત્રોને વધુ આધુનિક બનાવ્યા છે અને દરેક પરિસ્થિતિ માટે તેમની તૈયારી પૂર્ણ છે.

વાટાઘાટો અટકી અને રુબિયોનો પ્રતિક્રિયા આપવાનો ઇનકાર

અમેરિકી મધ્યસત્ર ચૂંટણીના પરિણામો પછી બંને દેશો વચ્ચેની સત્તાવાર શાંતિ વાટાઘાટો અટકી ગઈ છે. ત્રાહિત દેશોના મધ્યસ્થીઓની હિલચાલ પણ થંભી ગઈ છે. બીજી તરફ, ફ્રાન્સમાં G7 બેઠક પહેલા યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ ફ્લોરિડામાં સ્પષ્ટ કર્યું હતું કે ઈરાન દ્વારા મૂકવામાં આવેલી શરતો અસ્વીકાર્ય અને અવ્યવહારુ છે. હાલના તબક્કે બંને દેશો વચ્ચે કોઈ ચોક્કસ સમજૂતી થાય તેવી શક્યતા દેખાતી નથી.

ટ્રમ્પનું બદલાયેલું વલણ અને લશ્કરી ચેતવણી

અમેરિકન મધ્યસત્ર ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના નુકસાન બાદ ડોનાલ્ડ ટ્રમ્પના વલણમાં થોડો ફેરફાર જોવા મળ્યો છે. ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે ચૂંટણી પરિણામો પર ઈરાન યુદ્ધની નકારાત્મક અસર સ્વીકારી હતી.

વાટાઘાટાથી યુદ્ધ પૂર્ણ થવાની શક્યતા

ટ્રમ્પે આપેલા એક ઇન્ટરવ્યુમાં સંકેત આપ્યો હતો કે જો વાટાઘાટો યોગ્ય દિશામાં આગળ વધે છે, તો ઈરાન પર ફરી હુમલો કરવાની જરૂર રહેતી નથી. જોકે, તેમણે ઈરાનની આર્થિક સ્થિતિ અને 301% ફુગાવાનો ઉલ્લેખ કરીને તેને આર્થિક રીતે નબળો દેશ ગણાવ્યો હતો. ટ્રમ્પે ઉમેર્યું હતું કે યુએસ સૈન્ય સંપૂર્ણપણે તૈયાર છે અને જો ઈરાન મજબૂત કરાર પર હસ્તાક્ષર નહીં કરે તો આગળની લશ્કરી કાર્યવાહીનો વિકલ્પ ખુલ્લો રહેશે. ઈરાને કતાર મારફતે વાટાઘાટો ફરી શરૂ કરવા સાત શરતોનો પ્રસ્તાવ મોકલ્યો છે, પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર કરાર થઈ શક્યો નથી.

આ પણ વાંચોઃ Gaza માં પૂર અને ઠંડીનો કહેર! 70 હજારથી વધુ તંબુઓ નાશ પામ્યા, લાખો લોકો બેઘર