ઈરાન અને ઈઝરાયલ વચ્ચે શરૂ થયેલા યુદ્ધમાં મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો ફસાયેલા છે. ભારતે આ વિકટ પરિસ્થિતિમાં પણ ઈરાનથી વિદ્યાર્થીઓની પહેલી ખેપ સફળતાપૂર્વક પુરી કરી છે. ઈરાનથી 110 ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવામાંમ આવ્યા છે જેમાં મોટા ભાગે કાશ્મીરના વિદ્યાર્થીઓ છે. આ સ્પેશ્યલ વિમાન આજે બુધવારે રાતે પહોંચવાની સંભાવના છે. આ વિદ્યાર્થીઓ આર્મેનિયાથી દોહા થઈને દિલ્હી પહોંચશે.
ભારતે ઈરાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને ભારત પરત લાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ અભિયાન અંતર્ગત ઉર્મિયા મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલા 110 ભારતીય વિદ્યાર્થીઓ, જેમાં 90 વિદ્યાર્થીઓ તો ફક્ત કાશ્મીરના જ છે. તેમને સુરક્ષિત રીતે ઈરાનથી બહાર કાઢીને આર્મેનિયા પહોંચાડવામાં આવ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓ મંગળવારે ઈરાન-આર્મેનિયાની બોર્ડર પાર કરીને આર્મેનિયાની રાજધાની યેરેવન પહોંચ્યા છે. જ્યાં તેમને સરકાર દ્વારા નક્કી કરેલા હોટલમાં રાખવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને લઈને આ ફ્લાઈટ આજે એટલે કે બુધવારે રાત્રે 22-15 વાગ્યે દિલ્હી પહોંચશે.













