મંગળવાર, 3 માર્ચના રોજ પશ્ચિમ એશિયાની સ્થિતિ વધુ સ્ફોટક બની છે. ઈરાને સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં સ્થિત અમેરિકી દૂતાવાસ પર અત્યાર સુધીનો સૌથી મોટો અને ઘાતક ડ્રોન હુમલો કર્યો છે. આ હુમલામાં બે આત્મઘાતી ડ્રોન સીધા દૂતાવાસના પરિસરમાં ત્રાટક્યા હતા, જેના કારણે પ્રચંડ વિસ્ફોટ થયો અને સમગ્ર વિસ્તારમાં આગ લાગી ગઈ હતી.

ઇરાને રિયાધમાં કર્યો જોરદાર હુમલો

સૂત્રોના જણાવ્યા મુજબ, સાઉદી સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે રિયાધના હાઈ-સિક્યોરિટી ગણાતા રાજદ્વારી ક્વાર્ટરમાં ચાર ડ્રોન મોકલવામાં આવ્યા હતા. જેમાંથી બેને હવામાં તોડી પડાયા હતા, પરંતુ અન્ય બે દૂતાવાસના બિલ્ડિંગ સાથે અથડાયા હતા. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે સ્થાનિક લોકોએ આકાશમાં કાળો ધુમાડો ઉડતો જોયો હતો. આ હુમલામાં અમેરિકન સૈનિકોના મૃત્યુના અહેવાલ પણ સામે આવી રહ્યા છે, જેના કારણે અમેરિકા અત્યંત આક્રમક મૂડમાં છે.

અમેરિકા આનો બદલો જરૂર લેશેઃ ટ્રમ્પ

આ ઘટના બાદ તુરંત જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયા સાથેની વાતચીતમાં ઈરાનને ગંભીર પરિણામો ભોગવવાની ચીમકી આપી છે. તેમણે જણાવ્યું હતું કે, "અમારા દૂતાવાસ પર હુમલો અને અમેરિકન સૈનિકોનું બલિદાન વ્યર્થ જવા નહી દેવાય. અમે કેવી રીતે બદલો લઈશું, તે દુનિયાને ટૂંક સમયમાં ખબર પડી જશે."

જેદ્દાહ, રિયાધ અને ધહરાન શહેરોમાં સુરક્ષા એલર્ટ જાહેર

રિયાધમાં સ્થિત યુએસ એમ્બેસીએ તમામ અમેરિકન નાગરિકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ આશ્રય લેવાની સૂચના આપી છે. જેદ્દાહ, રિયાધ અને ધહરાન જેવા શહેરોમાં સુરક્ષા એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને બિન-જરૂરી મુસાફરી પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. ઈરાનની આ કાર્યવાહી બાદ સાઉદી અરેબિયા અને અમેરિકાની સંયુક્ત લશ્કરી કાર્યવાહીની શક્યતાઓ વધી ગઈ છે, જે સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે.