પશ્ચિમ એશિયા અત્યારે ઇતિહાસના સૌથી ગંભીર તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. ઈઝરાયલ અને અમેરિકાની સંયુક્ત લશ્કરી કાર્યવાહી અને ત્યારબાદ ઈરાન દ્વારા કરવામાં આવેલા વળતા હુમલાઓએ સમગ્ર વિશ્વને ચિંતામાં મૂકી દીધું છે. આ તણાવ વચ્ચે ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ એક અત્યંત મહત્વનું અને આક્રમક નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ઈરાનનો પરમાણુ અને મિસાઈલ કાર્યક્રમ માત્ર ઈઝરાયેલના અસ્તિત્વ માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વની સુરક્ષા માટે એક મોટું જોખમ છે.
'ઓપરેશન રોરિંગ લાયન'ની આપી માહિતી
નેતન્યાહૂએ 'ઓપરેશન રોરિંગ લાયન'ના ત્રીજા દિવસે વિગતો આપતા જણાવ્યું કે, ઈઝરાયેલ આ લડાઈ પોતાના સાથી દેશ અમેરિકા અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સંપૂર્ણ સમર્થન સાથે લડી રહ્યું છે. તેમના મતે, ઈઝરાયલની સૈન્ય કાર્યવાહી માત્ર આત્મરક્ષણ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે વૈશ્વિક શાંતિ સ્થાપવા માટેનો એક પ્રયાસ છે. નેતન્યાહૂએ ભારપૂર્વક કહ્યું કે જો ઈરાન જેવા દેશો પાસે પરમાણુ શસ્ત્રો અને લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઈલો આવી જશે, તો પશ્ચિમી દેશો અને યુરોપ પણ સુરક્ષિત રહેશે નહીં.
