પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો લશ્કરી તણાવ અત્યંત ગંભીર સ્તરે પહોંચી ગયો છે. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ દાવો કર્યો છે કે તેણે બહેરીનના અલ-રફાહ અને અવલી એરબેઝ પર તૈનાત અમેરિકાની બે પેટ્રિઅટ એર ડિફેન્સ રડાર સિસ્ટમને મિસાઇલો અને ડ્રોન વડે નિશાન બનાવી ભારે નુકસાન પહોંચાડ્યું છે. 

ઇરાને અમેરિકાના હુમલાનો વળતો જવાબ ગણાવ્યો

ઈરાને આ કાર્યવાહીને તેના હવાઈ ક્ષેત્રના કથિત ઉલ્લંઘન અને હેંગમ ટાપુ પરના રડાર બેઝ પર થયેલા અમેરિકી હુમલાનો વળતો જવાબ ગણાવ્યો છે. બીજી તરફ, બહેરીનના અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલાને કારણે એક ઔદ્યોગિક સુવિધામાં આગ લાગી હતી, જેને ફાયર બ્રિગેડની ટીમોએ કાબૂમાં લીધી હતી અને આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. હાલ બહેરીનમાં પરિસ્થિતિ સામાન્ય જાહેર કરી નાગરિકોને સતર્ક રહેવા જણાવાયું છે.
https://x.com/Busaka254/status/2124339379720110253?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2124339379720110253%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

દરિયાઇ મોરચે યુદ્ધની સ્થિતિ તંગ બની

દરિયાઈ મોરચે પણ સ્થિતિ તંગ બની છે. હોર્મુઝની સામુદ્રધુની (સ્ટ્રેટ) નજીક દરિયાઈ ખાણ સાથે અથડાવાથી એક તેલ ટેન્કરમાં આગ લાગી હતી, જ્યારે ઓમાનના ખાસાબ ક્ષેત્ર પાસે પણ અન્ય બે તેલ ટેન્કરો પર અજાણ્યા પ્રોજેક્ટાઇલથી હુમલા થયાના અહેવાલ છે. આ ઘટનાઓથી ગલ્ફ ક્ષેત્રમાં વૈશ્વિક તેલ પરિવહનની સુરક્ષા સામે મોટું જોખમ ઊભું થયું છે. આ ઉપરાંત, IRGC એ હોર્મુઝ સ્ટ્રેટ ઉપર ઉડાન ભરી રહેલા અમેરિકાના બે અત્યાધુનિક ડ્રોન એક MQ-9 અને એક MQ-1 પ્રિડેટરને તોડી પાડ્યાનો પણ દાવો કર્યો છે.

યમનના હુતીઓ દ્વારા પણ કરાયો હતો હુમલો

આ સંઘર્ષ વચ્ચે ઈરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના પ્રવક્તા ઈબ્રાહિમ રેઝાઈએ કડક ચેતવણી આપતા કહ્યું છે કે જો ઈરાની માળખાકીય સુવિધાઓ પર હુમલો થશે, તો તેહરાન સીધા ઈઝરાયલી થાણાઓને નિશાન બનાવશે. બીજી તરફ, સાઉદી અરેબિયાના ગઠબંધને યમનના હુતી બળવાખોરો દ્વારા છોડવામાં આવેલી એક બેલિસ્ટિક મિસાઇલને હવામાં જ તોડી પાડી હતી, જોકે હુતી જૂથે મક્કા પ્રાંતને નિશાન બનાવવાનો ઇનકાર કર્યો છે. દરમિયાન, ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટ કર્યું છે કે શરતો પૂર્ણ થાય તો ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખોલી શકે છે, પરંતુ તે પોતાના યુરેનિયમ ભંડારને કોઈ પણ સંજોગોમાં વિદેશમાં મોકલશે નહીં.

આ પણ વાંચોઃ Vaishno Devi: માતા વૈષ્ણોદેવીના દરબારમાં ગત વર્ષનો રેકોર્ડ તૂટ્યો, 87 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન