પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ હવે સીમાઓ વટાવીને સમગ્ર ખાડી દેશોમાં ફેલાઇ ગયો છે. ઇરાને તેના અત્યંત ઘાતક ગણાતા શાહેદ-136 આત્મઘાતી ડ્રોનનો ઉપયોગ કરીને સંચુક્ત આરબ એમીરાતના દુબઇમાં આવેલા અમેરિકી લશ્કરી મથક પર મોટો હુમલો કર્યો છે. ઇરાની રાજ્ય મીડિયાના અહેવાલ અનુસાર આ હુમલામાં અમેરિકી લશ્કરી કર્મચારીઓ રહેતી બિલ્ડિંગને સીધું નિશાન બનાવવામાં આવ્યું હતુ. જેન કારણે ત્યાં ભારે જાનમાલને નુકસાન થયાની આશંકા છે.
દુબઈમાં તબાહી અને સાઉદીમાં વળતો જવાબ
દુબઈમાં થયેલા આ વિસ્ફોટોના પડઘા આખા વિશ્વમાં સંભળાઈ રહ્યા છે. અગાઉ ઈરાને સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં યુએસ દૂતાવાસ પર પણ ડ્રોન હુમલા કર્યા હતા. જોકે, સાઉદી સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા મેજર જનરલ તુર્કી અલ-મલિકીએ જણાવ્યું કે, તેમની સંરક્ષણ પ્રણાલીએ રિયાધ અને અલ-ખાર્જ શહેરો નજીક આવતા 8 ઈરાની ડ્રોનને હવામાં જ તોડી પાડ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં ઈઝરાયેલમાં સ્થિત યુએસ દૂતાવાસમાં પણ આગ લાગેલી જોઈ શકાય છે, જે ઈરાની ડ્રોન હુમલાનું પરિણામ હોવાનું મનાય છે.
https://twitter.com/PressTV/status/2028651467679125693
કતાર પર મિસાઈલોનો વરસાદ
બીજી તરફ, કતારના આકાશમાં પણ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી. કતારના સંરક્ષણ મંત્રાલયે એક ચોંકાવનારો આંકડો જાહેર કરતા કહ્યું કે, ઈરાન તરફથી દેશ પર 101 બેલિસ્ટિક મિસાઈલો અને અનેક ક્રુઝ મિસાઈલો છોડવામાં આવી હતી. કતારની વાયુસેનાએ અત્યંત મુશ્કેલ કામગીરીમાં 101 માંથી 98 બેલિસ્ટિક મિસાઈલો, 3 ક્રુઝ મિસાઈલો અને 24 ડ્રોનને અટકાવવામાં સફળતા મેળવી હતી. એટલું જ નહીં, કતાર દ્વારા ઈરાનના બે SU-24 ફાઈટર જેટને પણ નિશાન બનાવવામાં આવ્યા હોવાના અહેવાલ છે.
હુમલાઓએ પશ્ચિમ એશિયાની સુરક્ષા વ્યવસ્થાને હચમચાવી
ઈરાન દ્વારા એકસાથે અનેક દેશો પર કરવામાં આવેલા આ હુમલાઓએ પશ્ચિમ એશિયાની સુરક્ષા વ્યવસ્થાને હચમચાવી દીધી છે. અમેરિકાના સૈન્ય મથકો અને રાજદ્વારી કચેરીઓ પરના આ પ્રહારો બાદ હવે વોશિંગ્ટન તરફથી કેવો વળતો જવાબ આપવામાં આવે છે તેના પર આખા વિશ્વની નજર છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે તે આ લડાઈને હવે પાછળ ખેંચવા તૈયાર નથી, જે વૈશ્વિક શાંતિ માટે અત્યંત ચિંતાજનક બાબત છે.
આ પણ વાંચોઃ Iran Attack Saudi Arabia: ઇરાનનો રિયાધમાં યુએસ દૂતાવાસ પર સૌથી મોટો હુમલો, બ્લાસ્ટ બાદ એમ્બેસીમાં લાગી આગ