પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સૈન્ય સંઘર્ષ હવે વૈશ્વિક આર્થિક કટોકટી તરફ આગળ વધી રહ્યો છે. ઈરાનની પર્સિયન ગલ્ફ સ્ટ્રેટ ઓથોરિટી અને ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ સત્તાવાર જાહેરાત કરીને વ્યૂહાત્મક રીતે અતિ મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) ને આગામી આદેશ સુધી 'સંપૂર્ણપણે બંધ' કરી દીધી છે. ઈરાને આ વિસ્તારમાં હાજર તમામ વ્યાપારી અને તેલ વહન કરતા જહાજોને શાંતિ જાળવવા અને આગળની સૂચનાઓ સુધી પોતાની જગ્યા પર જ રોકાઈ રહેવા કડક આદેશ આપ્યા છે.

નિયમોનું ઉલ્લંઘન કરનારા જહાજ પર ઈરાનનો પ્રહાર

ઈરાની નૌસેનાના જણાવ્યા અનુસાર, આ કડક પગલું એક વિદેશી કન્ટેનર જહાજ દ્વારા આંતરરાષ્ટ્રીય જળસીમાના નિયમોના સરેઆમ ઉલ્લંઘન બાદ લેવામાં આવ્યું છે. ઈરાનનો દાવો છે કે સંબંધિત જહાજ ગેરકાયદેસર અને અનધિકૃત રૂટ (Unauthorized Route) પરથી પસાર થઈ રહ્યું હતું. વારંવાર ચેતવણી આપવા છતાં જહાજે પોતાનો રસ્તો બદલ્યો નહોતો અને પોતાનું નેવિગેશન સિસ્ટમ (AIS) પણ બંધ રાખ્યું હતું. સુરક્ષાના જોખમને ધ્યાનમાં રાખીને ઈરાની સૈન્યએ આ જહાજને મિસાઈલ અને ડ્રોન વડે નિશાન બનાવ્યું હતું, જેમાં જહાજને ભારે નુકસાન થયું હોવાના અહેવાલ છે.

ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી 

ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરાતા અને જહાજ પર હુમલો થતાં જ અમેરિકા લાલચોળ થયું છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ આ કાર્યવાહીની સખત નિંદા કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નાટો બેઠક અને સોશિયલ મીડિયા પર ખુલ્લી ધમકી આપી છે કે અમેરિકાની 1,000 મિસાઈલો સંપૂર્ણપણે તૈયાર (Locked and Loaded) છે. જો ઈરાને વૈશ્વિક વેપાર માર્ગને ત્વરિત મુક્ત નહીં કર્યો તો તેના પર અત્યાર સુધીનો સૌથી મોટો સૈન્ય હુમલો કરવામાં આવશે. અમેરિકાએ ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવા માટે 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે.

વૈશ્વિક તેલ બજાર અને ભારત પર સંકટના વાદળો

હોર્મુઝ સ્ટ્રેટ દુનિયાનો સૌથી મહત્વનો લાઈફલાઈન રૂટ છે, જ્યાંથી વિશ્વના કુલ ક્રૂડ ઓઈલનો ત્રીજો ભાગ પસાર થાય છે. આ માર્ગ બંધ થવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (Crude Oil) ના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. જો આ નાકાબંધી આગામી થોડા દિવસો સુધી ચાલુ રહેશે, તો ભારત સહિતના તમામ ઓઈલ આયાતકાર દેશોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચશે અને મોંઘવારી બેકાબૂ બની શકે છે. હાલમાં સંયુક્ત રાષ્ટ્ર (UN) સ્થિતિને કાબૂમાં લેવા માટે રાજદ્વારી પ્રયાસો કરી રહ્યું છે.

આ પણ વાંચો: US Iran War: હોર્મુઝ સ્ટ્રેટ ફરી બંધ થતાં US લાલચોળ, 1000 મિસાઈલ છોડવાની ટ્રમ્પની ધમકી,અનેક શહેરોનો નાશ