પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ફરી એકવાર ભયાનક યુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે. અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હવે અત્યંત ખતરનાક અને વિનાશક સ્તરે પહોંચી ગયો છે. ઈરાનની નૌસેના દ્વારા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝની સામુદ્રધુની (Hormuz Strait) ને આગામી આદેશ સુધી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતના વળતા પ્રહારમાં અમેરિકાએ ઈરાન વિરૂદ્ધ અત્યાર સુધીની સૌથી મોટી સૈન્ય કાર્યવાહી કરતા તેના 7 શહેરોના 12થી વધુ લશ્કરી ઠેકાણાઓ પર ભીષણ બોમ્બમારો કરીને તેને તબાહ કરી દીધા છે.
ઈરાનની હરકતથી ગુસ્સે થયું અમેરિકા
આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ની નૌસેનાએ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા સાયપ્રસના ધ્વજવાળા 'M/V GFS ગેલેક્સી' નામના કન્ટેનર જહાજને નિશાન બનાવ્યું હતું. ઈરાનનો દાવો છે કે જહાજે દરિયાઈ નિયમોનું પાલન નહોતું કર્યું અને ચેતવણી છતાં નેવિગેશન સિસ્ટમ બંધ રાખી હતી. આ હુમલામાં જહાજ પર ભીષણ આગ લાગી ગઈ હતી અને ક્રૂ મેમ્બર ગુમ થયો હતો. ઈરાનની આ હરકતથી ગુસ્સે ભરાયેલા યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ બહેરીન સ્થિત પોતાના સૈન્ય મથક પરથી મિસાઈલો દાગીને ઈરાન પર હુમલાનો ત્રીજો રાઉન્ડ શરૂ કરી દીધો હતો. અમેરિકાએ ઈરાનના ચાબહાર, બુશેહર, બંદર અબ્બાસ અને સિરિક સહિતના 7 પ્રમુખ શહેરોને નિશાન બનાવ્યા છે.
