મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) માં લાંબા સમયથી ચાલી રહેલો તણાવ હવે વિસ્ફોટક સ્થિતિમાં પહોંચી ગયો છે. અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ અચાનક વધુ તીવ્ર બન્યો છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) દ્વારા ઈરાનના અનેક સૈન્ય ઠેકાણાઓ પર શક્તિશાળી એરસ્ટ્રાઈક કરવામાં આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં યુદ્ધના વાદળો ઘેરાયા છે. આ હુમલા એવા સમયે થયા છે જ્યારે ઈરાને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માં વ્યાપારી જહાજો પર ડ્રોન અને મિસાઈલથી હુમલા કર્યા હોવાનો અમેરિકાએ દાવો કર્યો છે.
80 થી વધુ લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવ્યા
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નાટો સંમેલન દરમિયાન પત્રકારોને સંબોધતા સ્પષ્ટ કર્યું છે કે ઈરાન સાથેની કામચલાઉ યુદ્ધવિરામની સમજૂતી હવે 'સંપૂર્ણપણે સમાપ્ત' થઈ ગઈ છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ જવાબી હુમલાઓ આંતરરાષ્ટ્રીય જળસીમામાં નિર્દોષ નાગરિકો અને વ્યાપારી જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવ્યા છે. અમેરિકી વાયુસેનાએ ઈરાનના ક્યુશમ ટાપુ, સિરિક અને બંદર અબ્બાસ જેવા વ્યૂહાત્મક વિસ્તારોમાં આવેલા ડ્રોન અને મિસાઈલ લોન્ચિંગ પેડ્સ સહિતના 80 થી વધુ લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે.
બીજી તરફ, અમેરિકાના આ આક્રમક વલણથી રોષે ભરાયેલા ઈરાને પણ વળતો પ્રહાર કરવાની અને 'ચૂરી નાખનારો જવાબ' આપવાની ધમકી આપી છે. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ દાવો કર્યો છે કે તેમણે પ્રદેશમાં સ્થિત અમેરિકી સૈન્ય મથકો તરફ મિસાઈલો છોડી છે. ઈરાનના વિદેશ મંત્રાલયે વોશિંગ્ટન પર શાંતિ પ્રક્રિયાના ભંગનો આરોપ લગાવ્યો છે.
પેટ્રોલિયમ પેદાશોના ભાવ આસમાને પહોંચી શકે છે
આ સૈન્ય સંઘર્ષની સૌથી ગંભીર અસર હોર્મુઝ જળમાર્ગ પર પડી છે, જેને ઈરાન દ્વારા આંશિક રીતે બંધ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વૈશ્વિક સ્તરે વેચાતા કુલ ક્રૂડ ઓઈલનો આશરે 20 થી 30 ટકા હિસ્સો આ જળમાર્ગની મારફતે પસાર થાય છે. જહાજોની અવરજવર ખોરવાઈ જતાં જ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં 5 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. જો આ તણાવ લાંબો સમય ચાલશે તો ભારત સહિતના તમામ આયાતકાર દેશોમાં પેટ્રોલિયમ પેદાશોના ભાવ આસમાને પહોંચી શકે છે, જે વૈશ્વિક અર્થતંત્ર માટે મોટો ફટકો સાબિત થશે. હાલમાં સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય વૈશ્વિક નેતાઓ બંને પક્ષોને સંયમ રાખવા અપીલ કરી રહ્યા છે, પરંતુ સ્થિતિ સતત વણસી રહી છે.
આ પણ વાંચો: Canada: ટોરોન્ટોના પ્રખ્યાત લૅટિન સ્ટ્રીટ ફેસ્ટિવલમાં અંધાધૂંધ ગોળીબાર, 2ના મોત અને 6 ઘાયલ