હોર્મુઝ સ્ટ્રેટ અંગે હજુ પણ અનિશ્ચિતતા યથાવત છે. હોર્મુઝ સ્ટ્રેટ એ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંથી એક છે. જો આ માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ જાય, તો તેની અસર માત્ર મધ્ય પૂર્વના દેશો પર જ નહીં, પણ સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર વિનાશક રીતે પડી શકે છે. વૈશ્વિક યુદ્ધ અને તેલ અને ગેસની અછત વચ્ચે ઇરાને માત્ર ભારત, ચીન, રશિયા, ઇરાક અને પાકિસ્તાનના જહાજોને પસાર થવાની પરવાનગી આપી છે. જો ઇરાન આ માર્ગ સંપૂર્ણપણે બંધ કરે તો વૈશ્વિક તેલ પુરવઠામાં ભારે વિક્ષેપ પડશે.  

હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી શું થશે

હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંનો એક છે. વૈશ્વિક તેલ વેપારનો લગભગ પાંચમો ભાગ આ સાંકડી ચેનલમાંથી પસાર થાય છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થાય તો વૈશ્વિક સ્તરે ઓઈલ અને પેટ્રોલિયમની સમસ્યા વધુ ઘેરી બનશે. આ માર્ગ બંધ થતા મર્યાદિત પાઇપલાઇન્સ, ખર્ચાળ વૈકલ્પિક માર્ગો અને કટોકટી અનામત ઊર્જા બજારોને થયેલા આંચકાને સંપૂર્ણપણે સરભર કરી શકશે નહીં.

હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી દુનિયા પર અસર

ઓઈલના ભાવમાં ધરખમ વધારો:  વિશ્વના કુલ તેલ પુરવઠાનો લગભગ ૨૦% થી ૩૦% હિસ્સો આ સામુદ્રધુનીમાંથી પસાર થાય છે. જો આ માર્ગ બંધ થાય  તો ક્રૂડ ઓઈલના ભાવમાં રાતોરાત ૪૦% થી ૫૦% નો વધારો થઈ શકે છે. ઘણા નિષ્ણાતોના મતે ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ $૧૫૦ થી $૨૦૦ ને પાર કરી શકે છે.

વૈશ્વિક મોંઘવારીમાં વધશે: તેલ અને ગેસ મોંઘા થવાને કારણે પરિવહન ખર્ચ વધશે, જેનાથી ખાદ્ય પદાર્થો, ઉત્પાદિત વસ્તુઓ અને તમામ પાયાની જરૂરિયાતોના ભાવ વધશે. ઓઈલન અને ગેસ એ રોજિંદા જરૂરિયાતોની વસ્તુમાં અનેક રીતે ઉપયોગી છે. એટલે જ જો આ બંને વસ્તુના ભાવ વધશે તો વિશ્વભરમાં મોંઘવારીનો નવો રેકોર્ડ સર્જાઈ શકે છે તેવું નિષ્ણાતો માને છે.

હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી ભારત પર અસર

ભારત તેની જરૂરિયાતનું મોટાભાગનું ક્રૂડ ઓઈલ અને LNG (લિક્વિડ નેચરલ ગેસ) મધ્ય પૂર્વના દેશો પાસેથી આ જ માર્ગે મંગાવે છે. ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી શકે છે. દેશના વિદેશી મુદ્રા ભંડાર પર મોટું દબાણ આવશે અને રૂપિયો નબળો પડી શકે છે. સપ્લાય ચેઈન ઠપ્પ થઈ જશે. માત્ર તેલ જ નહીં, પણ આ માર્ગે અન્ય ચીજવસ્તુઓનું પણ વહન થાય છે. શિપિંગ કંપનીઓ માટે લાંબા અને મોંઘા વૈકલ્પિક રૂટ પસંદ કરવા પડશે, જેનાથી માલસામાન પહોંચવામાં વિલંબ થશે. આ માર્ગ બંધ થવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે સૈન્ય હસ્તક્ષેપની શક્યતા વધી જાય છે. અમેરિકા અને અન્ય શક્તિશાળી દેશો આ માર્ગને ફરીથી ખોલવા માટે લશ્કરી બળનો ઉપયોગ કરી શકે છે, જે પ્રાદેશિક યુદ્ધમાં પરિણમી શકે છે.


આ પણ વાંચો : Iran Hormuz Strait: ઇઝરાયલે રસ્તો અવરોધિત કરનાર ઇરાની નૌકાદળના કમાન્ડરને ઉતાર્યો મોતને ઘાટ