ઈરાનની જાણીતી ગાયિકા પરસ્તુ અહમદી ફરી ચર્ચામાં આવી છે. એક ઓનલાઇન કોન્સર્ટમાં હિજાબ વગર ગીત ગાવાના મામલે તેમને 74 કોરડા મારવાની સજા ફટકારવામાં આવી છે. આ સાથે તેમની ટીમના ચાર સભ્યોને પણ 74-74 કોરડા મારવાની સજા આપવામાં આવી છે. આ કાર્યવાહી બાદ ઈરાનમાં મહિલાઓની સ્વતંત્રતા, ફરજિયાત હિજાબ અને અભિવ્યક્તિના અધિકાર અંગેની ચર્ચા ફરી તેજ બની છે.

કોણ છે પરસ્તુ અહમદી?

પરસ્તુ અહમદી ઈરાનની જાણીતી ગાયિકા છે. સંગીત અને અવાજ ઉપરાંત ઈરાનમાં મહિલાઓ પર લાગુ કડક નિયંત્રણો સામેના તેમના વલણને કારણે પણ તેઓ ચર્ચામાં રહ્યાં છે.

તેઓ હિજાબ વગર ગીત ગાતાં જોવા મળ્યાં

ડિસેમ્બર 2024માં તેમણે યુટ્યુબ પર આશરે 27 મિનિટનો એક કોન્સર્ટ વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તેઓ હિજાબ વગર ગીત ગાતાં જોવા મળ્યાં હતાં. તેમણે સ્લીવ ડ્રેસ પહેર્યો હતો અને વાળ ખુલ્લા રાખ્યા હતા. તેમની સાથે પુરુષ સંગીતકારો પણ હાજર હતા.

ઓનલાઇન કોન્સર્ટથી મળી વૈશ્વિક ઓળખ

પરસ્તુ અહમદીએ આ પ્રદર્શનને એક કાલ્પનિક કોન્સર્ટ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ એવા લોકો માટે ગાવા માગે છે, જેમને તેઓ પ્રેમ કરે છે અને પોતાના દેશ માટે પણ ગાવા માગે છે.

વીડિયો ઝડપથી વાયરલ થયો હતો

આ વીડિયોમાં તેમણે ઈરાનનું દેશભક્તિ ગીત ‘અઝ ખૂને જવાને વતન’ પણ ગાયું હતું. વીડિયો ઝડપથી વાયરલ થયો હતો અને તેમને દુનિયાભરમાં ઓળખ મળી હતી. જોકે, ઈરાની અધિકારીઓએ આ પ્રદર્શનને દેશના ધાર્મિક અને કાયદાકીય નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.

2022ના મહિલા અધિકાર આંદોલન સાથે પણ જોડાયાં હતાં

પરસ્તુ અહમદીનું નામ 2022માં મહસા અમીનીના મૃત્યુ બાદ શરૂ થયેલા ‘વુમન, લાઇફ, ફ્રીડમ’ આંદોલન દરમિયાન પણ ચર્ચામાં આવ્યું હતું. તેમણે વિરોધ પ્રદર્શનોના સમર્થનમાં ગીત ગાયું હતું. ત્યારબાદ સુરક્ષા એજન્સીઓએ તેમની પૂછપરછ કરી હતી અને તેમના ઘરની તપાસ પણ કરી હતી.

22 વર્ષીય મહસા અમીનીનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ

22 વર્ષીય મહસા અમીનીનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયા બાદ ઈરાનમાં હિજાબના વિરોધમાં મોટા પાયે પ્રદર્શનો થયાં હતાં. અમીનીને ડ્રેસ કોડના ઉલ્લંઘનના આરોપસર અટકાયતમાં લેવામાં આવી હતી. તેમના મૃત્યુ બાદ આંદોલનને આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન મળ્યું હતું.

74 કોરડા અને બે વર્ષના પ્રતિબંધની સજા

ઈરાનમાં જાહેર સ્થળોએ મહિલાઓ માટે હિજાબ પહેરવો ફરજિયાત છે. મહિલાઓના જાહેરમાં એકલા ગીત ગાવા પર પણ નિયંત્રણો છે. આ સંજોગોમાં હિજાબ વગર પ્રદર્શન કરવા અને પુરુષ સંગીતકારો સાથે કોન્સર્ટ કરવાના મામલે પરસ્તુ અહમદી સામે કાનૂની કાર્યવાહી શરૂ થઈ હતી. વીડિયો સામે આવ્યા બાદ અહમદી અને તેમની ટીમના કેટલાક સભ્યોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. જોકે, બાદમાં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.

અદાલતે 74-74 કોરડા મારવાની સજા ફટકારી

હવે ઓનલાઇન કોન્સર્ટના મામલે ઈરાની અદાલતે પરસ્તુ અહમદી અને તેમની સાથેના ચાર ટીમ સભ્યોને 74-74 કોરડા મારવાની સજા ફટકારી છે. આ ઉપરાંત બે વર્ષ સુધી કલાત્મક અને સંગીત સંબંધિત પ્રવૃત્તિઓમાં ભાગ લેવા તથા વિદેશ પ્રવાસ કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

અભિવ્યક્તિના અધિકાર અંગેની ચર્ચા

આ સજા બાદ પરસ્તુ અહમદીનું નામ ફરી એકવાર ઈરાનમાં મહિલાઓની સ્વતંત્રતા, ફરજિયાત હિજાબ અને અભિવ્યક્તિના અધિકાર અંગેની ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે.  


આ પણ વાંચો :      Ahmedabad : શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીનું મોટું નિવેદન: ‘નકલી દેવી-દેવતાઓથી દૂર રહો, શાસ્ત્રોમાં ઉલ્લેખ છે તે જ ભગવાન’