મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા ભીષણ તણાવ વચ્ચે ઈરાને અમેરિકાને વ્યાપક શાંતિ માટે 14-મુદ્દાનો એક નવો પ્રસ્તાવ મોકલ્યો છે. પાકિસ્તાનની મધ્યસ્થી દ્વારા મોકલવામાં આવેલા આ પ્રસ્તાવમાં ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે હવે માત્ર કામચલાઉ યુદ્ધવિરામ નહીં, પરંતુ તમામ મોરચે સંઘર્ષનો કાયમી અંત ઈચ્છે છે.
ઈરાનનો 30 દિવસનો એજન્ડા
અમેરિકાએ અગાઉ બે મહિનાના યુદ્ધવિરામ માટે 9-મુદ્દાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ ઈરાને તેને નકારી કાઢીને પોતાનો ૧૪-મુદ્દાનો પ્લાન રજૂ કર્યો છે. ઈરાનનો આગ્રહ છે કે માત્ર 30 દિવસની અંદર તમામ મુખ્ય વિવાદોનો નિકાલ લાવવો જોઈએ.
ઇરાનની અમેરિકા સામેની શરત
સુરક્ષા ગેરંટી: અમેરિકા અને ઈઝરાયલ ખાતરી આપે કે ભવિષ્યમાં ઈરાન પર કોઈ હુમલા થશે નહીં.
લશ્કરી પીછેહઠ: પ્રદેશમાંથી અમેરિકી દળોને પાછા ખેંચવામાં આવે અને નૌકાદળ દ્વારા કરવામાં આવેલી નાકાબંધી તાત્કાલિક હટાવવામાં આવે.
હોર્મુઝ સ્ટ્રેટ: વ્યૂહાત્મક રીતે મહત્વની હોર્મુઝ સ્ટ્રેટમાં નેવિગેશન અને સુરક્ષા માટે એક નવી અને મજબૂત પદ્ધતિ સ્થાપિત કરવામાં આવે.
તમામ મોરચે શાંતિ: માત્ર ઈરાન જ નહીં, પરંતુ લેબનોન સહિતના તમામ મોરચે દુશ્મનાવટનો અંત લાવવાની માંગ કરવામાં આવી છે.
ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા
આ પ્રસ્તાવ મળ્યા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે "ટ્રુથ સોશિયલ" પર પોતાની પ્રતિક્રિયા આપી છે. જોકે તેમણે કહ્યું કે તેઓ આ પ્રસ્તાવની 'સમીક્ષા' કરશે, પરંતુ સાથે જ તેમણે ઊંડી શંકા પણ વ્યક્ત કરી છે. ટ્રમ્પનું માનવું છે કે ઈરાને દાયકાઓથી કરેલા તેના નકારાત્મક કાર્યો માટે હજુ સુધી પૂરતી કિંમત ચૂકવી નથી. તેમણે સંકેત આપ્યો હતો કે આ પ્રસ્તાવ હાલના સ્વરૂપમાં સ્વીકારવો મુશ્કેલ છે, કારણ કે તેમાં અમેરિકાની કેટલીક પાયાની શરતોની અવગણના કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Iran America conflict: ફરીથી થશે યુદ્ધની શરૂઆત? ટ્રમ્પે કહ્યુ કે ઇરાન હવે નબળું પડ્યું, જો જરૂરત પડશે તો એરસ્ટ્રાઇક કરીશું!