મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને અમેરિકા–ઇઝરાયલ દ્વારા ઇરાન પર કરાયેલા હુમલાઓ બાદ હવાઈ પરિવહન ક્ષેત્ર પર સીધી અસર જોવા મળી રહી છે. યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાતા અનેક દેશોએ પોતાના હવાઈ ક્ષેત્ર (એરસ્પેસ) તાત્કાલિક બંધ કરી દીધા છે. તેનો સૌથી મોટો પ્રભાવ ભારતની એરલાઇન્સ પર પડી રહ્યો છે.
11 મહિનાથી પાકિસ્તાનનું હવાઈ ક્ષેત્ર ભારતીય વિમાનો માટે બંધ
છેલ્લા લગભગ 11 મહિનાથી પાકિસ્તાનનું હવાઈ ક્ષેત્ર ભારતીય વિમાનો માટે બંધ છે. તેના કારણે ભારતીય એરલાઇન્સને લાંબા રૂટથી ઉડાન ભરવી પડે છે. હવે ગલ્ફ દેશોના એરસ્પેસ પર પ્રતિબંધ લાગતા પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. નાગરિક ઉડ્ડયન નિયામક સંસ્થા DGCAના આંકડા મુજબ, 28 ફેબ્રુઆરીએ લગભગ 410 ફ્લાઇટ્સ રદ થઈ હતી, જ્યારે 1 માર્ચે આ આંકડો 440 સુધી પહોંચ્યો હતો. આ રીતે માત્ર બે દિવસમાં 800થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ ગઈ.
અનેક લાંબા અંતરની ફ્લાઇટ્સ રદ
ભારતની મુખ્ય એરલાઇન્સ જેમ કે Air India, IndiGo, Akasa Air અને SpiceJet એ મધ્ય પૂર્વ અને ગલ્ફ દેશોમાં જતી અનેક લાંબા અંતરની ફ્લાઇટ્સ રદ કરવાની જાહેરાત કરી છે. ખાસ કરીને એર ઈન્ડિયા અને ઇન્ડિગો માટે આ મોટું આર્થિક સંકટ છે, કારણ કે તેમની આંતરરાષ્ટ્રીય ઉડાનોમાંથી જ મોટા પ્રમાણમાં આવક થાય છે. રિપોર્ટ મુજબ, ભારત અને ગલ્ફ દેશો વચ્ચેનો મુસાફરી બજાર ખૂબ મોટો છે. ભારત આવતા અને જતા કુલ આંતરરાષ્ટ્રીય મુસાફરોમાં લગભગ 50 ટકા હિસ્સો ગલ્ફ દેશોનો છે. ગલ્ફ રૂટ બંધ થતા એરલાઇન્સની આવકમાં સીધી અસર જોવા મળશે.
આશરે 800 સાપ્તાહિક લાંબા
પાકિસ્તાનનું એરસ્પેસ બંધ હોવાથી પહેલાથી જ આશરે 800 સાપ્તાહિક લાંબા અને મધ્યમ અંતરની ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ રહી હતી. હવે ગલ્ફ દેશોના પ્રતિબંધો કારણે ફ્લાઇટ્સ વધુ લાંબા રૂટથી જવાની ફરજ પડી રહી છે. આથી બળતણનો ખર્ચ વધી રહ્યો છે, સમય વધુ લાગી રહ્યો છે અને ઘણા કિસ્સામાં મધ્યમાં રિફ્યુઅલિંગ સ્ટોપ લેવાની જરૂર પડી રહી છે.
દર વર્ષે લગભગ ₹4,000 કરોડનું નુકસાન
એર ઈન્ડિયાના વડા કેમ્પબેલ વિલ્સન મુજબ, પાકિસ્તાની હવાઈ ક્ષેત્ર બંધ થવાને કારણે કંપનીને દર વર્ષે લગભગ ₹4,000 કરોડનું નુકસાન થવાનો અંદાજ છે. હવે ગલ્ફ એરસ્પેસ બંધ થવાથી આ નુકસાન વધુ વધી શકે છે. ઇન્ડિગોએ મધ્ય એશિયાની કેટલીક ફ્લાઇટ્સ અસ્થાયી રીતે સ્થગિત કરી દીધી છે અને 7 માર્ચ સુધી મુસાફરોને મફત રદ અને રીશેડ્યૂલની સુવિધા આપી છે. આ પરિસ્થિતિ નાણાકીય વર્ષ 2025-26ના છેલ્લા ક્વાર્ટરમાં એરલાઇન્સના નફા પર સ્પષ્ટ અસર કરશે. અગાઉના ત્રીજા ક્વાર્ટરમાં પણ કેટલીક એરલાઇન્સે નુકસાન નોંધાવ્યું હતું.
ફ્લાઇટ્સના કારણે એરલાઇન્સ માટે આ “ડબલ સંકટ”
એક તરફ મુસાફરોની સુરક્ષા મહત્વપૂર્ણ છે, તો બીજી તરફ વધતા ઓપરેશનલ ખર્ચ અને રદ થતી ફ્લાઇટ્સના કારણે એરલાઇન્સ માટે આ “ડબલ સંકટ” બની ગયું છે. જો મધ્ય પૂર્વમાં તણાવ લાંબો સમય ચાલે, તો ભારતીય ઉડ્ડયન ક્ષેત્ર માટે પડકારો વધુ ગંભીર બની શકે છે.
આ પણ વાંચો : Iran Israel War : યુએસ-ઇઝરાયલ હવાઈ હુમલા પછી શું ઇરાનમાં જમીની યુદ્ધ થશે?