ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે શરૂ થયેલા લોહિયાળ જંગે હવે માત્ર રણમેદાન જ નહીં, પરંતુ આકાશને પણ લપેટમાં લીધું છે. શનિવારથી શરૂ થયેલા મિસાઈલ હુમલાઓએ મધ્ય પૂર્વના હવાઈ ક્ષેત્રને જોખમી બનાવી દીધું છે, જેના પરિણામે વિશ્વના સૌથી વ્યસ્ત ગણાતા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ પર તાળાબંધી જેવી સ્થિતિ સર્જાઈ છે.

ખાડી દેશોના એરપોર્ટ્સ પર સંકટના વાદળો

ઈરાને ઈઝરાયેલ પર વળતા પ્રહાર કરવાની સાથે કતાર, કુવૈત, બહેરીન અને યુએઈ (UAE) પર પણ મિસાઈલો છોડતા આ દેશોએ તાત્કાલિક અસરથી તેમના હવાઈ ક્ષેત્ર (Airspace) બંધ કરી દીધા છે. વિશ્વભરના મુસાફરો માટેનું મુખ્ય કેન્દ્ર એવું દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હાલમાં સંપૂર્ણપણે બંધ છે. તેવી જ રીતે, યુએઈની રાજધાની અબુ ધાબી અને કતારના દોહા એરપોર્ટ પર પણ તમામ ઉડાન કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે. રવિવારે એક જ દિવસમાં હજારો ફ્લાઇટ્સ રદ થવાને કારણે લાખો મુસાફરો એરપોર્ટ પર અટવાઈ પડ્યા છે.

તેલ અવીવથી તેહરાન સુધી સન્નાટો

સંઘર્ષના મુખ્ય કેન્દ્રબિંદુ એવા ઈઝરાયેલનું તેલ અવીવ એરપોર્ટ અને ઈરાનની રાજધાની તેહરાન આંતરરાષ્ટ્રીય વિમાનમથક યુદ્ધના કારણે સૌથી પહેલા બંધ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ઈરાકના એર્બિલ એરપોર્ટ પર પણ કામગીરી અટકાવી દેવામાં આવી છે. લેબનોનની રાજધાની બેરૂત અને જોર્ડનના અમ્માનમાં પણ વિમાનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, કારણ કે આ વિસ્તારો મિસાઈલ હુમલાઓના સીધા માર્ગમાં આવે છે.

મુસાફરો અને વૈશ્વિક અર્થતંત્ર પર અસર

ઈરાને વ્યૂહાત્મક રીતે ખાડી દેશોના મુખ્ય એરપોર્ટને નિશાન બનાવ્યા હોવાથી એશિયા અને યુરોપ વચ્ચેનો હવાઈ સંપર્ક તૂટી ગયો છે. અનેક દેશોએ તેમના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે. એરલાઈન્સ કંપનીઓને કરોડો ડોલરનું નુકસાન થઈ રહ્યું છે અને ઈંધણના ભાવમાં વધારો થવાની ભીતિ સેવાઈ રહી છે.


  • Follow us on: